Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
છેલ્લા કેટલાક સમયથી ખંભાળિયા ગુન્હાખોરીને લઈને ચર્ચાઓમાં આવતું રહે છે, ત્યારે આજે ખંભાળિયામાં ખાખીનો ખૌફ કેવો અને કેટલો તે વધુ એક વખત સામે આવ્યું છે, આજે ખંભાળિયાની બજારોમાં જ્યાં કેટલીય મહિલાઓની અવરજવર હોય છે તે વિસ્તારમાં એક યુવકને નગ્ન કરીને કેટલાક લોકોએ ફેરવ્યો અને હદ તો ત્યાં સુધી થઇ ગઈ કે જે શખ્સોએ યુવકને નગ્ન કરીને બજારોમાં ફેરવ્યો તે શખ્સો આ યુવકને છેવટે પોલીસ મથકમાં મૂકી આવ્યા અને પોતે જ ઉચ્ચ પોલીસ અધિકારી હોય તેમ આને રૂમમાં બેસાડી દો તેવો હાજર પોલીસને હુકમ કર્યો..! ઘટના વેળાએ લોકોના ટોળેટોળા થઇ ચુક્યા હતા.અને કેટલાય લોકો ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા,
આ ઘટનામાં જે રીતે પ્રાથમિક વિગતો જાણવા મળે છે તે પ્રમાણે જે યુવકને નગ્નઅવસ્થામાં ભરબજારે ફેરવવામાં આવ્યો તે યુવક સોશ્યલ મીડિયાના માધ્યમથી પોલીસની દારૂ જુગાર સહિતની કાર્યવાહી અંગે પોલીસને ભાંડતો રહે છે, એવામાં આજે થોડા દિવસો પૂર્વે જે યુવકને નગ્ન કરવામાં આવ્યો તેને પોતાના સોશ્યલ મીડિયામાં બે શખ્સો વિષે અનુચિત ટીપ્પણીઓ કરી હતી, જેનો ખાર રાખી આજે કેટલાક શખ્સો દ્વારા આ યુવકને પહેલા તેની કારમાં બેસાડવામાં આવ્યા બાદ નગ્ન કરી અને તેને ભરબજારથી માંડીને છેક પોલીસ મથક સુધી લઇ જવામાં આવ્યો છતાં પોલીસ શું કરતી હતી તે સવાલ છે કારણ કે કાયદો હાથમાં લેવાનો કોઈને અધિકાર નથી, ઘટના અંગે ઇન્ચાર્જ એસ.પી.હીરેન્દ્ર ચૌધરીએ કહ્યું કે આ મામલે જે શખ્સોએ યુવકને નગ્ન કર્યો તેની વિરુદ્ધમાં ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલી રહી છે. અને તે શખ્સોને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.અને ફરિયાદ બાદ વધુ વિગતો જાહેર કરાશે.