Mysamachar.in-જામનગર:
લૂટેરી દુલ્હનના કિસ્સાઓ જામનગર સહિત લગભગ શહેરોમાં અવારનવાર બનતાં રહેતાં હોય છે, આ પ્રકારનો વધુ એક કેસ જામનગરમાં બન્યો, એક યુવક ભોગ બન્યો પરંતુ બાદમાં આ ભોગ બનનાર યુવકે ભરૂચ પહોંચી કાયદો હાથમાં લઈ લેતાં આ ભોગ બનનાર આખરે આરોપી બની ગયો અને અંદર થઈ ગયો.
આ મામલાની બહાર આવેલી વિગતો અનુસાર, જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતાં દિલીપ રમેશભાઈ (રામજીભાઈ) સોલંકી નામના એક યુવાને, બે વચેટ મહિલાઓની મદદથી ભરૂચની એક યુવતી સાથે લગ્ન કર્યા. લગ્નના 10 દિવસ બાદ ખેલ થયો. આ દુલ્હન અદ્રશ્ય થઈ ગઈ. આ યુવતીનું જાહેર થયેલું નામ કંચન. ભરૂચની કોઈ શીલા નામધારી મહિલાએ દિલીપ અને કંચનની જોડી બનાવી દીધી હતી. આ કામમાં શીલાને રૂ. 1.65 લાખનો ધનલાભ થયાનું કહેવાય છે. વચેટ મહિલા શીલા અને જામનગરના યુવાન દિલીપનો ભેટો અન્ય એક મહિલાએ કરાવી આપ્યો હતો. આ મહિલાનું નામ બહાર આવ્યું નથી.
આ કેસમાં કંચન નામની દુલ્હન જામનગરના દિલીપ નામના પતિને છોડી 10 જ દિવસમાં જતી રહ્યા બાદ, દિલીપને ગુસ્સો આવ્યો. તેની સાથે મોટી રમત રમાઈ ગઈ હતી. આ યુવાને પોતે આપેલી રકમ પરત મેળવવા ભરૂચ અને નડિયાદ ખાતે ઘણાં ફોન કર્યા. નડિયાદની કોઈ મહિલાએ અગાઉ દિલીપ અને ભરૂચની વચેટ મહિલા શીલાનો સંપર્ક કરાવ્યો હતો. પરંતુ ઘણાં ફોન બાદ પણ દિલીપને પોતાની રકમ પરત ન મળતાં, તેણે બદલો લેવાનું નક્કી કર્યું. તે દરમિયાન તે ભરૂચ રૂબરૂ પણ ગયો હતો. તો પણ વાત પૂરી થઈ ન હતી. આથી ફરી તેણે ભરૂચ જવા પ્લાન કર્યો.

દરમિયાન, 19 માર્ચે ભરૂચમાં એવું જાહેર થયું કે, ભરૂચના આલી વિસ્તારમાં 21 વર્ષનો કિશન કાલુભાઈ વસાવા નામનો એક યુવક પોતાના ઘરમાં, વસંત મીલની ચાલીમાં સૂઈ રહ્યો હતો ત્યારે કોઈએ તેના ઘરનો દરવાજો ખટખટાવતા કિશને દરવાજો ખોલ્યો. અને, કોઈ બુકાનીધારી શખ્સે કિશન પર પેટ્રોલ રેડી દીધું. કિશનને સળગાવી નાંખવાનો પ્રયાસ થયો. અને બુકાનીધારી નાસી ગયો. ભરૂચ પોલીસે હત્યા પ્રયાસનો ગુનો દાખલ કરી, બુકાનીધારીને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા. દરમિયાન, દાઝી ગયેલા કિશનને શરૂમાં ભરૂચની સિવિલ હોસ્પિટલમાં અને બાદમાં એક ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી. તે બચી ગયો. એમ પણ કહેવાય છે કે, આ કિશન અને રૂ. 1.65 લાખનો તોડ કરનાર વચેટ મહિલા શીલા ભરૂચના આલી વિસ્તારમાં વસંત મીલની ચાલીમાં રહે છે.
દરમિયાન, ભરૂચ પોલીસે કોઈ રીતે અંકોડા મેળવી ભરૂચ નેશનલ હાઈવે પરથી બુકાનીધારી શખ્સને શોધી કાઢ્યો. પૂછપરછમાં આ શખ્સ ભાંગી પડ્યો. અને, બહાર આવ્યું કે, આ બુકાનીધારી શખ્સ જામનગરનો દિલીપ સોલંકી છે. તેણે બદલો લેવા આ પેટ્રોલકાંડ આચરેલો. પોલીસ પૂછપરછમાં એવું પણ બહાર આવ્યું છે કે, આ દિલીપ નામના શખ્સ પરનો દારૂનો એક કેસ નવસારી કોર્ટમાં હાલ ચાલે છે, તેથી દિલીપ નવસારી ગયો હતો અને પરત ફરતી વખતે આ પેટ્રોલકાંડનો પ્લાન તેણે અમલમાં મૂક્યો હતો.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, શીલા નામની વચેટ મહિલાએ કંચન નામની યુવતી કુંવારી છે તેમ કહી, દિલીપ અને કંચનના લગ્ન કરાવેલા તે કંચન બે બાળકોની માતા છે અને દિલીપ સાથે મોટી છેતરપિંડી થઈ હતી. આમ લૂટેરી દુલ્હનના આ મામલામાં ભોગ બનનાર જામનગરનો દિલીપ આ પેટ્રોલકાંડને કારણે આરોપી બની ગયો. અને હાલ તે ભરૂચ પોલીસના કબજામાં છે. વચેટ મહિલા શીલા અને લૂટેરી દુલ્હન કંચન વિરુદ્ધ ભરૂચ પોલીસે શી કાર્યવાહીઓ કરી ? તેની વિગતો હાલ બહાર આવી નથી. અને, દિલીપ તથા કંચનના લગ્ન શીલાએ ભરૂચના એક મંદિરમાં કરાવ્યા હતાં, એમ દિલીપ જણાવે છે.
