Mysamachar.in-અમદાવાદ:
અમદાવાદની એક મહિલાએ પોતાના પરિવારના એક લગ્ન સમારંભમાં પહેરવા માટે એક નવું બ્લાઉઝ સિવડાવવા એક દરજીનો સંપર્ક કર્યો. પરંતુ સારી રીતે સિવાયેલું બ્લાઉઝ આ મહિલાને લગ્નમાં પહેરવા સમયસર મળી શક્યું નહીં, મામલો ગ્રાહક અદાલતમાં ગયો અને મહિલાને માનસિક ત્રાસ આપવા મુદ્દે આ દરજીએ મહિલાને નાણાંકીય વળતર આપવું એવો અદાલતે આદેશ કર્યો.
આ મહિલાએ બ્લાઉઝની સિલાઈની રૂ. 4,000 કરતાં વધુની રકમ દરજીને એડવાન્સમાં ચૂકવી આપી, રકમની પહોંચ પણ મેળવી હતી. દરજીએ વાયદા મુજબની તારીખે મહિલાને બ્લાઉઝ સિવીને આપી દીધું પરંતુ માપ અને ડિઝાઇન યોગ્ય ન હોવાથી મહિલાએ દરજીને કહ્યું કે, બ્લાઉઝ સરખું કરી આપો. દરમ્યાન, લગ્નની નિયત તારીખ પહેલાં બ્લાઉઝ મહિલાને સમયસર ન મળતાં મહિલાએ દરજીને કાનૂની નોટિસ આપી. મામલો ગ્રાહક આયોગમાં પહોંચી ગયો. કેસ ચલાવવામાં આવ્યો તે સમયે દરજી અદાલત સમક્ષ હાજર ન થયો. અદાલતે કેસ એકતરફી ચલાવી, દરજી વિરુદ્ધ હુકમ જાહેર કરી દીધો.
આ મામલામાં મહિલાએ સિલાઈના રૂ. 4,395 દરજીને એડવાન્સ આપ્યા હતાં તે મહિલાને વ્યાજ સહિત પરત આપવાના રહેશે. આ ઉપરાંત મહિલાને થયેલા માનસિક ત્રાસ અને અદાલતમાં કેસ દાખલ કરવા થયેલાં કુલ ખર્ચ પેટે દરજીએ આ મહિલાને રૂ. 7,000 ચૂકવવા એવો અદાલતે હુકમ કર્યો છે.(symbolic image source:google)


