Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજયમાં ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આગામી શૈક્ષણિક વર્ષથી ફી વધારો કરવા થનગની રહી છે. ફી વધારાની આ યોજનાના ભાગરૂપે ખાનગી શાળાઓ માટેની ફી ની લઘુતમ મર્યાદા ઉંચી લઇ જવા માટેની ગોઠવણ પણ ચાલી રહી છે ત્યારે જામનગરની જાણીતી શૈક્ષણિક સંસ્થા બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા લેવામાં આવેલો નિર્ણય વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં છે અને આ નિર્ણય જાહેર પણ કરી દેવામાં આવ્યો છે.
બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન અશોકભાઈ ભટ્ટ અને ડાયરેક્ટર ઉસ્મિતાબેન ભટ્ટ દ્વારા આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. તેઓએ આ નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું છે કે, તેઓની સ્કૂલમાં બાલમંદિરથી માંડીને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ સુધીનું શિક્ષણ આપવામાં આવે છે, આ તમામ ધોરણોમાં આગામી શૈક્ષણિક વર્ષ જૂન-2024-25 દરમ્યાન શાળાના કોઈ પણ ધોરણમાં ફી વધારો કરવામાં આવશે નહીં.
હાલમાં મોંઘવારીના જમાનામાં ખાનગી શિક્ષણ મોંઘુદાટ બની રહ્યું છે ત્યારે અને વાલીઓ ફી વધારા મુદ્દે સતત ચિંતિત હોય છે એવા સમયે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન અશોકભાઈ ભટ્ટ ડાયરેક્ટર ઉસ્મીતાબેન ભટ્ટ દ્વારા કરવામાં આવેલી આ જાહેરાતને કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓને મોટી રાહત પ્રાપ્ત થશે અને આગામી શૈક્ષણિક વર્ષ જૂન-2024/2025 દરમિયાન આ સ્કૂલમાં કોઈ પણ ધોરણમાં ભણવા ઈચ્છતા વિદ્યાર્થીઓના વાલીઓએ કોઈ પણ પ્રકારના ફી વધારાની સમસ્યાનો સામનો નહીં કરવો પડે અને હાલમાં જે ફી નું ધોરણ છે એટલી જ ફી ચૂકવવાની રહેશે અને આ જાણીતી સ્કૂલમાં યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકો અને યોગ્ય વાતાવરણમાં તમામ સુવિધાઓ સાથે અભ્યાસ કરવાની તક મળી શકશે.