Mysamachar.in-જામનગર:
પતંગનું પર્વ મકરસંક્રાતિ જામનગર જિલ્લાના જામજોધપુરના એક પરિવાર માટે અમંગળ સાબિત થતાં, મંગળવારે એક કિશોરે આ બનાવમાં જિવ ગુમાવવો પડ્યો છે. આ બનાવ સંબંધે એક વૃદ્ધ ખેડૂત વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.
આ કરૂણ બનાવની પોલીસમાં જાહેર થયેલી વિગત અનુસાર, જામજોધપુર શહેરમાં પાટણ રોડ પર હીના મિલ નજીક રહેતાં અને મજૂરીકામ કરતાં, રામાભાઈ કાનાભાઈ મુસાર (45) નામના રબારી શ્રમિકના 14 વર્ષના પુત્રનું મંગળવારે સવારે વીજવાયરને અડી જવાથી મોત થયું છે. આ ફરિયાદીનો પુત્ર વિજય ઉતરાયણ પર્વ હોવાથી સૌની માફક પતંગ ચગાવી રહ્યો હતો તે દરમિયાન આ બનાવ બન્યો.
ફરિયાદીએ જણાવ્યા અનુસાર, હીના મિલ સામેના વિસ્તારમાં એક વાડી આવેલી છે. આ વાડીની આસપાસ આરોપી ચંદુભાઈ ઠકોરશીભાઈ પટેલ (75)એ કોઈની જિંદગી જોખમાય અથવા કોઈનું મોત થઈ શકે એમ જાણવા છતાં, પોતાની વાડીના શેઢા આસપાસ જીવતા વીજવાયર લગાડેલા છે. આ જગ્યા નજીક વિજય નામનો કિશોર પતંગ લેવા ગયો ત્યારે કોઈ કારણસર આ કિશોર જીવંત વીજવાયરને અડી ગયો અને તેનું મોત થયું. આ બનાવે રબારી પરિવારોમાં શોક પ્રસરાવી દીધો છે. પોલીસે ફરિયાદ દાખલ કરી, આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.