Mysamachar.in-અમદાવાદ:
અમદાવાદ પોલીસની કામગીરીઓ દેખાડવા માટે પોલીસ અધિકારીઓનું એક વોટ્સએપ ગ્રૂપ છે, જેમાં મહિલા પોલીસ અધિકારીઓ પણ સામેલ છે, આ ગ્રૂપમાં એક પોલીસ અધિકારીએ શિસ્તના લીરા ઉડાડતાં, દાખલો બેસાડવા અને શિસ્ત જાળવવા પોલીસ કમિશનરે આ પોલીસ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરતો હુકમ જાહેર કરતાં પોલીસવિભાગમાં ચકચાર મચી છે.
આ વોટ્સએપ ગ્રૂપમાં મહિલાઓ હોવા છતાં લવ અને હાર્ટ સંબંધિત ઈમેજિસનો મારો ચાલ્યો હતો. આ બનાવ સમયે, આ પોલીસ અધિકારી લાંબા સમયથી રજા પર હતાં, તે દરમિયાન વોટ્સએપ ગ્રૂપમાં આ પોલીસ ઈન્સ્પેક્ટર અને ACP કક્ષાના એક અધિકારીએ જે મેસેજ વાતચીત કરી તેમાં આ ઈન્સ્પેક્ટર દ્વારા લવ અને હાર્ટની ઘણી ઈમેજ મૂકવામાં આવેલી, જેને કારણે ગ્રૂપમાં રહેલાં મહિલાઓ શરમજનક સ્થિતિ અનુભવી રહ્યા હતાં.
આ સમયે એક ઉચ્ચ પોલીસ અધિકારીએ ગ્રૂપમાં આ પોલીસ ઈન્સ્પેક્ટરને લખ્યું કે, આવા રબિશ મેસેજ અહીં ન શોભે. જેના પ્રતિભાવમાં આ પોલીસ ઈન્સ્પેક્ટરે ગ્રૂપમાં આ ઉચ્ચ અધિકારીને લખી નાંખ્યું કે, you are rubbish. બાદમાં આ મામલે પોલીસ કમિશનરનું ધ્યાન દોરવામાં આવ્યું. તેઓએ ગ્રૂપમાં શિસ્ત જાળવવા આ પોલીસ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરતો હુકમ કરી દેતાં, આ વોટ્સએપ ગ્રૂપમાં અને પોલીસબેડામાં સોપો પડી ગયો છે. સસ્પેન્ડ થયેલાં પોલીસ ઈન્સ્પેક્ટર કે.બી.રાજવી અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં છે.