Mysamachar.in-અમદાવાદ:
અમદાવાદ નજીકના સાણંદમાં અલગઅલગ કારણોસર રૂપિયાની થપ્પીઓ ઉડે છે, જે સૌ જાણે છે. આ સાણંદ પાસે નાની દેવતી ગામ છે, જ્યાં ગત્ રાત્રે એક મોટી પાર્ટી આયોજિત થયેલી. આ ગામ પાસે આવેલાં ગ્લેડ વન નામના રિસોર્ટમાં યુવા બિલ્ડર પ્રતીક સાંઘી દ્વારા પોતાની બર્થ ડે પાર્ટી ગોઠવવામાં આવી હતી. જેમાં સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ દ્વારા આશરે 100 જેટલાં યુવક અને યુવતિઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
રવિવારે મોડી રાત્રે આ રિસોર્ટમાં જામ અને જિસ્મ ટકરાવ અનુભવી રહ્યા હતાં અને લાઉડ અવાજે સંગીત વાગી રહ્યું હતું ત્યારે કેટલાંયે આમંત્રિતો નશામાં ઝૂમી રહ્યા હતાં, બરાબર ત્યારે જ પોલીસનો મોટો કાફલો આ રિસોર્ટ પર ત્રાટક્યો. અહીંથી 13 યુવાનો અને 26 યુવતિઓને શરાબપાન કરેલી હાલતમાં ઝડપી લેવામાં આવ્યા. બાકીના 60 જેટલાં લોકોની પૂછપરછ થઈ રહી છે.
પાર્ટીના યજમાન પ્રતીક સાંઘી સહિત 13 યુવકોની નશા બદલ ધરપકડ થઈ છે અને 26 યુવતિઓને નોટિસ આપી હાલ મુક્ત કરવામાં આવી છે. પોલીસે રિસોર્ટમાંથી શરાબની 25 ખાલી બોટલ, 2 ભરેલી અને 3 અડધી ભરેલી બોટલ અને વાહનો સહિતનો મુદ્દામાલ કબજે લીધો છે. નશામાં ઝડપાયેલાં બધાં જ યુવકો અને યુવતિઓના નામો પણ જાહેર કરવામાં આવ્યા છે. અન્ય એક અહેવાલ અનુસાર, આ જ પંથકમાં અન્ય એક બંગલામાં પણ શરાબની પાર્ટી પર દરોડો પાડી એક ડઝન નશાખોરોની અટકાયત કરવામાં આવી હતી.