Mysamachar.in-મોરબી
મોરબી જીલ્લાના હળવદ તાલુકાના રાયસંગપુર ગામના વતની અને હાલ હળવદમાં રહેતા જનકભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેવો હળવદ માર્કેટિંગ યાર્ડમાં ખેત ઉત્પાદનનો વેપાર અને કમીશન એજન્ટનો વેપાર કરે છે. તેમને 31-8-21ના રોજ મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો કે જેમાં યશપાલસિંહ ઝાલા બોલતા હોવાનું જણાવ્યું હતું અને રૂબરૂ મળવું છે. તેમ કહેતા ફરિયાદી જનકભાઈ રાયસંગપર માર્કેટિંગ યાર્ડમાં આવેલ દુકાને હતા. ત્યારે યશપાલસિંહ કાર લઈને આવ્યા હતા અને 90 લાખ આપવા જ પડશે કહ્યું હતું.
જેથી વેપારીએ હું તમને ઓળખતો નથી તો શેના રૂપિયા આપવાના તેમ કહેતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને કહ્યું, હું જેની પાસે ખંડણી માંગુ તે ચૂપચાપ આપી દે છે. તારા પરિવારને સલામત જીવતા રહેવું હોય તો તા. 5 સુધીમાં 90 લાખ આપી દેજે નહીંતર મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આથી હળવદ પોલીસમાં ફરીયાદ કરતા આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી લોકઅપની હવા ખવડાવી છે.