Mysamachar.in:પોરબંદર
સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કેટલાંક એસટી ડેપોમાં નવતર પ્રકારનું કૌભાંડ ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે સાયબર ક્રાઇમ વિભાગમાં ફરિયાદ થતાં દાહોદના બે શખ્સોની અટક કરવામાં આવી છે. આ શખ્સો જે બસો એસટી ડેપોમાંથી નીકળી ચૂકી હોય, તે બસોની ઓનલાઇન બુક થયેલી ટિકિટોનું રિફંડ પોતાના બેંક ખાતામાં જમા કરાવી લેતાં હતાં ! એમ માનવામાં આવે છે કે, એસટી તંત્રનાં બુકિંગ ક્લાર્ક પાસે જે પાસવર્ડ હોય છે તે ઓપન સિક્રેટ છે. આ પાસવર્ડ આ પ્રકારના શખ્સો જાણી લેતાં હતાં. આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું છે કે, મોટાભાગના ડેપોના આ પ્રકારના પાસવર્ડ લગભગ સરખાં હતાં. તેનો પણ આ શખ્સોએ દુરૂપયોગ કરી લીધો હોવાનું કહેવાય છે.
પોરબંદર એસટી ડેપોની ઓનલાઇન ટિકિટ બુકિંગ કામગીરીનાં આંતરિક ઓડિટ દરમિયાન ખોટ નજરમાં આવતાં સતાવાળાઓએ તપાસ કરી તો જાણવા મળ્યું કે, ટિકીટ રિફંડનાં નાણાં કોઈ ખાનગી વ્યક્તિનાં બેંક ખાતામાં જમા થયા છે. અત્રે નોંધનીય છે કે, એસટી વિભાગે ઓનલાઇન બુકિંગ માટે કેટલાંક એજન્ટોને પણ લાયસન્સ આપ્યા છે. જે પૈકી કેટલાંક શખ્સો આ પ્રકારના કૌભાંડ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વિવિધ એસટી ડેપોમાં ચલાવી રહ્યા હોવાનું સંભળાઈ રહ્યું છે. પોરબંદર એસટી ડેપોની ફરિયાદ બાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આ કૌભાંડનાં છેડાં શોધી કાઢ્યા છે. આ પ્રકારના શખ્સો રિફંડ મેળવવા માટે પાસવર્ડ ક્યાંથી ? કેવી રીતે મેળવી લેતાં હતાં ? એ જો કે તપાસનો વિષય છે. આ કૌભાંડમાં એસટી નાં કોઈ કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ ? તે દિશામાં પણ તપાસ ચલાવવામાં આવી રહી છે.
પોલીસે જે બે શખ્સોની અટક કરી છે તે બંને દાહોદના છે અને તેઓનાં નામ સંજય બારીયા અને વિપુલ મોહનીયા છે. આ શખ્સો એસટી ની ટિકિટના બુકિંગ એજન્ટ તરીકે કામ કરતાં હતાં પરંતુ રિફંડનાં નાણાં ચાઉં કરી જતાં હતાં. આખરે ઝડપાઈ જતાં, રૂ.1.59 લાખની પોરબંદર ડેપો સાથેની છેતરપિંડી બહાર આવી છે. રાજ્યનાં અન્ય કેટલાંક ડેપોમાં પણ હવે તપાસ શરૂ થશે એવું સમજાઈ રહ્યું છે.