Mysamachar.in-આણંદ
આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચએ રવિવારની મોડી રાત્રે ખાસ ઓપરેશન હાથ ધરી બાતમીને આધારે 5 ખુંખાર લુંટારૂઓને પકડી પાડ્યાં હતા. આણંદમાં લૂંટ ધાડમાં સંડોવાયલી આ ખુંખાર ગેંગના 5 સાગરીતો પાસેથી છરો, ડંડા, લોખંડનું ખાતરીયું, આંટાવાળા લોખંડના સળીયાની નરાસ, બેટરી સહિતનો ઘાતક હથિયારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ગેંગના પકડાયેલા પાંચ સભ્યોની સઘન પુછપરછ હાથ ધરી હતી. જેને લઈ આ ગેંગે જિલ્લાની 28 જેટલી ચોરી અને ધાડના ગુના કબુલ્યા છે.
ઘાતક હથિયાર લઇ નવા સરદાર પટેલ રાજમાર્ગ પર લક્ષ સર્કલથી એપીસી સર્કલ તરફ થઇ આસપાસની સોસાયટી તથા વિદ્યાનગરમાં ધાડ પાડવા માટે જશે. જેના પરથી પોલીસે વોચ ગોઠવી હતી દરમિયાન મધરાતે પાંચ શખસ ચાલતા લક્ષ સર્કલ તરફથી આવતા હોય તે પૈકી બે શખસના હાથમાં લાકડાનો દંડો, એક ઇસમના હાથમાં લોખંડનો સળીયો હતો. એલસીબીની ટીમ સતર્ક બની ગઈ હતી સો ફુટ દુર આવતા જ પાંચેયને કોર્ડન કર્યાં હતાં. લુંટારું ગેંગ પણ પોલીસની હાજરી જોઈ જતા તેઓએ ભાગવાની કોશીષ કરી હતી. પરંતુ પોલીસ જવાનોએ પીછો કરી પાંચેયને પકડી પાડ્યાં હતાં. આ શખ્સોની તલાસી લેતાં છરો, ડંડા, લોખંડનું ખાતરીયું, આંટાવાળા લોખંડના સળીયાની નરાસ, બેટરી, રોકડ, મોબાઇલ સહિત રૂ.6200નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ પાંચેય સામે આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જેમાં આ ગેંગે 28 જેટલા ચોરી અને લૂંટફાટના ગુના કબુલ્યા છે.
આ શખ્સોના પુર્વ ઇતિહાસ પર નજર કરવામાં આવે તો મહેસાણા, હિંમ્મતનગર, ગાંધીનગર, દાહોદ, ગોધરા જીલ્લાના લુંટ-ધાડ, ઘરફોડ ચોરીઓના ગુનાઓમાં પકડાયેલા છે. પોલીસે ઝડપી પાડી તમામને કોર્ટમાં રજુ કરતા કોર્ટ દ્વારા 6 દિવસના રિમાન્ડ મંજુર કરાયા છે. જે રિમાન્ડ દરમ્યાન આણંદ જિલ્લા તથા અન્ય જીલ્લાના લુંટ-ધાડ, ઘરફોડ ચોરીઓના બીજા વધુ ગુનાઓનો ભેદ ઉકેલાઇ શકે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે આ ખૂંખાર ગેંગ ચોરી અને લૂંટફાટ અંગે ખાસ પદ્ધતિએ કામ કરતી હતી. જે રાત્રીના સોસાયટી વિસ્તારમાં જઇ જે મકાનમાં બહાર તાળુ મારેલુ હોય તે બંધ મકાનને ટાર્ગેટ કરી ચોરીઓ કરે તેમજ સોસાયટીની આજુબાજુ ખેતર વિસ્તાર હોય ત્યાં સંધ્યાકાળથી છુપાઇ રહી મોડી રાત્રીના ચોરી કરે છે.
-ગેંગના ક્યાં શખ્સો પોલીસને હાથ લાગ્યા
-સોમલા જીથરા કટારા
-રજપુત હરૂ ભાભોર
-રાજેશ ઉર્ફે બકો બાબુ માવી
-વિપુલ ઉર્ફે રમેશ રામસિંગ ભાભોર
-મનુ ઉર્ફે મનીયો નરસિંહ ભાભોર