Mysamachar.in-દાહોદ:
છેલ્લા કેટલાક સમયથી કોઈપણ લોકોને બ્લેકમેલ કરવા માટે ન્યૂડ વિડીયો કોલ અને ન્યૂડ વિડિયો ફોટો બ્લેકમેઈલિંગનું માધ્યમ બની રહ્યા છે ત્યારે લોકોએ ચેતી જઈ અને આવા તત્વો સામે પોલીસ ફરિયાદ નોંધાવવી જોઈએ તેવો આગ્રહ જાહેરમંચ પરથી ગૃહમંત્રીએ પણ કર્યો છે, જો કે આવા જ એક બ્લેકમેઈલના કિસ્સામાં દાહોદ પોલીસને સફળતા મળી છે. વાત એવી છે કે…
દાહોદ તાલુકાના એક યુવકના ફોન પર છેલ્લા દોઢેક મહિનાથી ઠગ ટોળકી જુદા-જુદા મોબાઇલ નંબરથી વોટ્સએપ કોલથી 90 લાખની ખંડણી માગી હતી. રૂપિયા નહીં આપે તો પત્નીના ન્યૂડ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી અપાતી હતી. આ મામલે યુવકે એસ.પી ડો. રાજદીપસિંહ ઝાલાનો સંપર્ક કરતાં સાયબર સેલ અને એસઓજી સહિતના સ્ટાફે ટ્રેપ ગોઠવી હતી. પુન: ફોન આવતાં ઠગને રૂપિયા લેવા માટે કતવારા હાઇવે બોલાવ્યો હતો. ઠગે બેગ મુકીને જતા રહેવાની શરત મુકી હતી.
ત્યારે પોલીસ પહેલે જ હાઇવે પર મજુર બનીને ગોઠવાઇ ગઇ હતી. બેગ મુકાયા બાદ થોડા સમયમાં આવેલા ઠગને પોલીસે ઝડપી પાડ્યો હતો. તપાસમાં ઠગ મૂળ નડિયાદના મનજીપુરા રોડનો અને હાલ ગલાલિયાવાડનો ધવલ પરમાર હોવાનું સામે આવ્યુ હતું. ત્યારે પુછપરછ દરમિયાન ઠગાઇમાં દાહોદના નાના ડબગરવાસનો અનિલ પરમાર અને મોનાલી ઉર્ફે મોના નામની યુવતી હોવાની તેમણે કબૂલાત કરી હતી. પોલીસે ત્રણેની ધરપકડ કરી હતી.જો કે આ મામલામાં પહેલા 90 લાખ અને બાદમાં 30 લાખ સુધી વાત પહોચી હતી જો કે પોલીસને આ સમગ્ર ખેલ ઉંધો પાડી દેવામાં સફળતા મળી છે.
 
			 
                                 
					



 
                                 
                                



 
							 
                