Mysamachar.in:જામનગર
જામનગર કસ્ટમના લાંચખાઉ સુપ્રિટેન્ડન્ટ વિરુદ્ધની CBIની કાર્યવાહીઓ આગળ વધી રહી છે. કચ્છ ખાતે લાંચના નાણાં લેતાં ઝડપાઈ ગયેલાં આ અધિકારી તથા તેના વચેટિયાની વિધિવત ધરપકડ બાદ CBI ટૂકડીએ જામનગરમાં આ અધિકારીના નિવાસસ્થાને પહોંચી ઝડતી લીધી હતી અને ઝડતી દરમિયાન રૂ. 9.50 લાખની રોકડ રકમ મળી આવતાં કબજે લેવામાં આવી છે. CBIની ટીમે આ મામલામાં કસ્ટમ સુપ્રિટેન્ડન્ટ નિતીશ વર્મા અને વચેટીયા સુભાષ શર્માની ધરપકડ કરી છે. કસ્ટમના આ અધિકારી અગાઉ કચ્છના મુન્દ્રા પોર્ટ ખાતે હતાં જયાંથી થોડા સમય પહેલાં એમની બદલી જામનગર થઈ છે.
તેઓ મુન્દ્રા હતાં ત્યારે એક પાર્ટીના કન્ટેનરને ઝડપથી ક્લિયરન્સ અપાવવાના બદલામાં આ અધિકારીએ પાર્ટી સાથે રૂ. સાડા સાત લાખમાં સેટલમેન્ટ કરેલું જે પૈકીની રૂ. બે લાખની રોકડ રકમ સ્વીકારતી વખતે આ અધિકારીને મુન્દ્રા પોર્ટ ખાતે CBIની ટીમે ઝડપી લીધો હતો. આ સમયે વચેટિયો પણ ઝડપાઈ ગયો હતો. આ બંનેની વિધિવત ધરપકડ બાદ CBIની ટીમે આ કસ્ટમ અધિકારીના ઘરની તલાશી લીધી હતી ત્યારે ઉપરોકત રૂ. 9.50 લાખની રોકડ રકમ મળી આવતાં તે કબજે લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.