Mysamachar.in-જામનગર:
જામનગર પોલીસે આજે નજીકના ગ્રામ્ય વિસ્તાર મોટા થાવરીયા પાસે એક ગુનેગારના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી દીધું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ ઓપરેશન CMના સીધાં માર્ગદર્શન મુજબ ગૃહરાજ્યમંત્રીની સૂચનાથી જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં પાર પાડવામાં આવ્યું.
ગત્ મહિને નવેમ્બર માસમાં જામનગરમાં ગેંગરેપનો એક ગુનો દાખલ થયો હતો. આરોપીઓ પૈકી એકનું નામ હુશેન ગુલમામદ શેખ છે. આ શખ્સે મોટા થાવરીયા નજીક ગેરકાયદેસર રીતે એક ફાર્મ હાઉસ ખડકી દીધું છે, એવી વિગતોના આધારે આજે પોલીસે આ ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી દીધાંની જાહેરાત થઈ છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, રાજ્યભરમાં ગુનેગારો વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહીઓ ચાલુ જ રાખવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, આ ફાર્મ હાઉસ ગેરકાયદેસર હતું. ગૌચરની જમીન પર હતું. આ વિસ્તાર 11 વીઘા જમીન પર પથરાયેલો હતો. આથી આ ફાર્મ હાઉસ તોડી પાડવામાં આવ્યું છે. જો કે આ શખ્સ રીઢો ગુનેગાર છે, બળાત્કાર-દારૂ-હથિયારો અને ડ્રગ્સના સાતેક જેટલાં કેસ આ અગાઉના વર્ષોમાં પણ તેના વિરૂદ્ધ નોંધાયેલા છે. આમ છતાં તે ગૌચરની 11 વીઘા જમીન પર ફાર્મ હાઉસ ધરાવતો હતો ! સ્થાનિક તલાટી અને તાલુકા વિકાસ અધિકારી સહિતના સૌ જવાબદારો અત્યાર સુધી, ગૌચર પરના આ ફાર્મ હાઉસ અંગે અજાણ શા માટે રહ્યા ?! અત્રે ઉલ્લેખનિય છે કે, ગેંગરેપની તાજેતરની ફરિયાદમાં ગુના બનાવ સ્થળ તરીકે આ ફાર્મ હાઉસનો પણ ઉલ્લેખ થયો હતો.