Mysamachar.in-જામનગર:
અમદાવાદનો તથ્ય પટેલનો એ કેસ હજુ સૌની નજર સમક્ષ જ છે, જેમાં પોતાની લક્ઝરી કાર તથ્ય નામના યુવકે બેફામ હંકારી અને 9 લોકોની જિંદગીનો જીવનદીપ બુજાવી દીધો હતો, ત્યાં જ જામનગરમાં એક રફતારના રાજા એવા એક યુવકે જામનગર રાજકોટ હાઈવે પર BMW કાર પુરપાટ ઝડપે ચલાવી અને દંપતિને અડફેટ લેતા પતિનું મોત નીપજ્યું જયારે પત્નીની હાલ સારવાર ચાલી રહી છે.આ અંગેની વિગતો એવી છે કે…
જામનગર-રાજકોટ રોડ પર એક ઘાતક અકસ્માત સર્જાયો છે જેમાં ઈજાગ્રસ્ત દંપતિ પૈકી પુરુષનું મોત નીપજયું છે. પૂરપાટ ઝડપે દોડી રહેલી એક વૈભવી કારે આ અકસ્માત સર્જયો હોવાનું બહાર આવ્યું છે અને કારચાલક વિદ્યાર્થીની અટકાયત કરી લેવામાં આવી છે,.
જામનગરના પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અકસ્માતની ફરિયાદ દાખલ થઈ છે. આ અકસ્માત નાની બાણુંગાર અને રામપરના પાટીયા વચ્ચે થયો હતો. કાલે બુધવારે રાત્રે સવા અગિયાર વાગ્યા આસપાસ પોલીસમાં જાહેર કરવામાં આવ્યું છે કે, બુધવારે સાંજે 7 વાગ્યા આસપાસ આ અકસ્માત થયો હતો.
જામનગરના રાજ પાર્ક નજીકના રમણ પાર્ક (ગણેશ કોલ્ડ સ્ટોરેજ નજીક) વિસ્તારમાં રહેતાં અને અભ્યાસ કરતાં યશ દિનેશભાઈ મકવાણા એ પોલીસમાં જાહેર કર્યું છે કે, ફરિયાદીના પિતા દિનેશભાઈ મકવાણા તથા માતા અનિતાબેન પોતાનું મોટરસાયકલ નં. GJ-10-BH-1795 લઈ, રાજકોટ તરફના રોડ પરથી જામનગર તરફ આવી રહ્યા હતાં તે સમયે GJ-10-DN-0007 નંબરની કારે પાછળથી પોતાની કાર પૂરઝડપે બેફિકરાઈથી ચલાવી ફરિયાદીના પિતા દિનેશભાઈના મોટરસાયકલને જોરદાર ઠોકર લગાવી હતી. આથી આ દંપતિ હાઈવે પર ફેંકાઈ ગયું હતું.
આ અકસ્માતમાં ફરિયાદીના પિતા દિનેશભાઈને માથામાં ગંભીર ઈજાઓ થતાં તેઓ મૃત્યુ પામ્યા હોવાનું હોસ્પિટલના તબીબોએ જાહેર કર્યું છે જયારે ફરિયાદીના માતા અનિતાબેનને ઈજાઓ થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે કારના ચાલક 20 વર્ષના વિદ્યાર્થી ગુલમામદ જુમાભાઈ સાટી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની અટકાયત કરી છે. તેના પિતા શિપિંગ વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળે છે. પોલીસે અકસ્માત નોતરનાર BMW કાર કબજે લીધી છે.