Mysamachar.in-અમદાવાદ:
અમદાવાદ પોલીસે 70 વર્ષના એક વૃદ્ધની ધરપકડ કરી. આ શખ્સ વિરુદ્ધ જાસૂસી કરવાનો અને પત્નીની પ્રાઈવસીનો ભંગ કરવાનો આરોપ છે. એમ કહેવાય છે કે, આ શખ્સે પોતાની પત્નીની કારમાં GPS ટ્રેકર લગાવ્યું છે. તેની પત્નીની ઉંમર 62 વર્ષ છે. આરોપીનું નામ શબ્બીર સુલેમાન ગાંધી છે અને તે જૂહાપુરા વિસ્તારનો રહેવાસી છે. ગત્ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં તેણે આ સાધન પત્નીની કારમાં પ્લાન્ટ કર્યું એવો તેના પર આરોપ છે, આ વૃદ્ધ તથા તેની પત્ની વચ્ચે ઘણાં વર્ષોથી અણબનાવ છે, બંને અલગઅલગ રહે છે, અને પાંચેક વર્ષથી બન્ને છૂટાછેડાનો કેસ પણ લડી રહ્યા છે. તેની પત્ની સાથે તેનો 20 વર્ષનો પુત્ર રહે છે, જે નોકરીધંધો કરતો નથી. અને આ કાર આ યુવાનના નામે નોંધાયેલી છે, જેનો ઉપયોગ માતા-પુત્ર બન્ને કરે છે.
આ ફરિયાદી વૃદ્ધાએ થોડાં સમય અગાઉ પોતાની કાર સર્વિસમાં આપેલી અને સર્વિસ એજન્સીએ આ વૃદ્ધાને કહેલું કે, તમારી કારમાં GPS ટ્રેકર લગાવેલું છે, તમને ખ્યાલ છે ? આ જાણકારી બાદ આ વૃદ્ધાએ પોતાના પતિ વિરુદ્ધ ગત્ 2 જાન્યુઆરીએ જાસૂસીની ફરિયાદ દાખલ કરાવી. આ મહિલાનો પુત્ર, અવારનવાર આરોપી વૃધ્ધ એટલે કે, પોતાના પિતા પાસે નાણાંની માંગ કરતો હતો. પુત્ર પિતાને એમ કહેતો કે, તેને લોનના નાણાં ભરવાના છે.
આ પરિવારનો મોટો 27 વર્ષનો પુત્ર કેનેડા રહે છે. પોલીસ કહે છે: પ્રાથમિક તપાસ એમ કહે છે કે, આ વૃદ્ધે પોતાના પત્ની અને પુત્રની ગતિવિધિઓ પર નજર રાખવા જાસૂસી ડિવાઇસ લગાવ્યું હોય એ શક્ય છે. આ સિવાય તેનો કોઈ અન્ય હેતુ છે કે કેમ? તે મુદ્દાની તપાસ ચાલી રહી છે. ACP કહે છે: આરોપી વિરુદ્ધ IPCની કલમ-354(ડી) એટલે કે કોઈનો પીછો કરવો અથવા જાસૂસી કરવી અને કલમ-66(ઈ), એટલે કે કોઈની પ્રાઈવસીનો ભંગ કરવો, મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી અગાઉ ટૂર એન્ડ ટ્રાવેલ કંપની ચલાવતો અને હાલ નિવૃત જીવન પસાર કરે છે.