Mysamachar.in-વડોદરા:
ઘણા લોકો એવું માનતા હોય છે કે બેંક લોકરમાં દાગીના રોકડ કે અન્ય ચીજવસ્તુઓ મુકીએ તો તે સુરક્ષિત રહે છે. અને બેંકમાં સોના ચાંદીના દાગીના સહિતનો સામાન મૂકી લોકો મસ્ત ઊંઘી જતા હોય છે. પણ દરેક બેંકમાં સજ્જડ સુરક્ષા દરેક કિસ્સાઓમાં હોતી નથી અને ભૂતકાળમાં રાજ્ય અને રાજ્ય બહાર આવા કિસ્સાઓ જોવા મળ્યા છે. ત્યારે આવો જ વધુ એક કિસ્સો જેમાં લોકરમાં કીમતી સામાન મૂકનારની ઊંઘ ઉડાવી દે તેવી વાત બહાર આવી છે.
અમેરિકામાં રહેતા અને વડોદરા દીકરીના લગ્ન માટે આવેલા એક NRI પરિવારે કોસમોસ બેંકના લોકરમાં રાખેલા 45 તોલા સોનાના દાગીના ગુમ થયા હોવાનો આરોપ લગાવ્યો છે. ખાતેદારનું માનીએ તો, 2024માં તેઓએ સોના અને ચાંદીના દાગીના લોકરમાં મૂક્યા હતા. જેમાં આજે ચેક કરતા ફક્ત ચાંદીના દાગીના જ મળ્યા છે. જે સોનાના દાગીના, લગડી અને સિક્કા હતા તે ગાયબ છે. આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી છે. તો જો કે આ મામલે તપાસ ચાલી રહી હોય બેંકના બ્રાન્ચ મેનેજરે ટીપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો. વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી કોસમોસ કો ઓપરેટિવ બેન્કમાં ખાતું ધરાવતા નરેન્દ્રભાઈ શાહ લોકરની સુવિધા પણ મેળવી રહ્યા હતા.
લોકરમાં 45 તોલા સોનાના દાગીના મુકેલા હતા. તેઓના પત્ની સાથે બેંકના લોકરમાંથી દાગીના કાઢવા ગયા ત્યારે લોકરની અંદર મૂકેલી એલ્યુમિનિયમની પેટીનું તાળું ગાયબ હોવાનું જાણવા મળતા તેઓને શંકા ગઈ હતી. લોકરની પેટી ખોલીને જોતા સોના ચાંદીના દાગીના પૈકી સોનાના તમામ દાગીનાઓ ગાયબ કરી દેવામાં આવ્યા હોય તેમ જણાયું હતું. બેન્ક લોકરમાંથી દાગીના ચોરી થયાની ઘટના અંગે બાપોદ પોલીસનો સંપર્ક કર્યો હતો જેમનો આરોપ છે તે કહે છે કે હું અને મારી પત્ની લોકર ખોલવા ગયા, ત્યારે જેવું લોકરનું બારણું ખોલ્યું કે તરત જ મારી પત્નીને શંકા ગઈ કે આમાં કોઈ છેડછાડ થઈ છે.
તેઓએ જણાવ્યું હતું કે, તપાસ કરતા માલુમ પડ્યું કે સોનાના તમામ દાગીના ગાયબ હતા. અંદર દાગીના રાખવાની જે પેટી હોય, તેને મારેલું તાળું પણ ત્યાં નહોતું. કુલ 45 તોલા સોનાના દાગીના હતા જે દાગીનાઓ ગાયબ થયા તેમાં સોનાની લગડી, 10 સોનાના સિક્કા, બંગડીઓ, બુટ્ટી, નેકલેસ, લકી અને બ્રેસલેટ જેવી વસ્તુઓ સામેલ હતી.તેઓએ ઉમેર્યું હતું કે, ચોર બહુ હોશિયાર હતો. તેણે ચાંદીના દાગીનાને હાથ પણ નથી લગાડ્યો, માત્ર સોનાની જ ચોરી કરી છે.(પ્રતિકાત્મક તસ્વીર)





















































