Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં હિંદુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે છેલ્લા 44 વર્ષથી પ્રતિવર્ષ મહાશિવરાત્રીના પાવનકારી પર્વના દિવસે યોજાતી શિવ શોભાયાત્રાની પરંપરા આ વર્ષે પિસ્તાલીસમાં વર્ષે પણ જાળવવામાં આવશે, અને રવિવારે યોજાનારી આ ભવ્યાતિભવ્ય શોભાયાત્રામાં અગિયાર કિલો રજત મઢીત અને સુવર્ણ અલંકારોથી સુશોભીત ભગવાન શિવજીની પાલખી ઉપરાંત 12 સંસ્થાના 19 જેટલા ચલિત ફલોટસ વિશેષ આકર્ષણ જગાવશે. શિવજીને ત્રિશુલ-ડમરૂ-ચંદ્ર-કુંડળ-માળા- જનોઇ-છત્તર-પાઘડી જેવા સુવર્ણ અલંકારોથી સુશોભિત કરાયા છે જે શોભાયાત્રા નાગેશ્વર મંદિર થી પ્રારંભ થઇ નગરભ્રમણ કરી રાત્રિના ભીડભંજન મહાદેવ મંદિરે પૂણ થશે અને મહાઆરતી યોજાશે.
જામનગર શહેર ‘છોટી કાશી” ના ઉપનામથી વિશેષ વિખ્યાત છે. શહેર જિલ્લામાં શિવભકતોની સંખ્યા બેસૂમાર છે. જામનગરમાં સ્થાપિત વિવિધ શિવાલયો પણ શિલ્પ સ્થાપત્યની દ્ર્ષ્ટિએ બેનમૂન તેમજ ભાવિકોના શ્રધ્ધા કેન્દ્ર સમા છે. ત્યારે પ્રતિવર્ષ મહાશિવરાત્રીના પર્વની જામનગર શહેરમાં ભારે ઉત્સાહપુર્વક ઉજવણી થાય છે અને ભવ્ય શિવ શોભાયાત્રાનું આયોજન પણ પ્રતિવર્ષ હાથ ધરાય છે જે પરંપરા અનુસાર આ વખતે પિસ્તાલીસમાં વર્ષે ભવ્ય શિવશોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
શિવશોભાયાત્રામાં સ્થાન પામતી ભગવાન શિવજીની રજત મઢીત પાલખીનો પૂજનવિધિ સમારોહ રવિવારે મહાશિવરાત્રી પર્વના દિવસે સવારના 10 થી 12 શ્રી રામદૂત હનુમાનજી મંદિરના પ્રાંગણમાં યોજાશે. જેમાં પાલખીની પ્રાસાદ પ્રતિષ્ઠા અને ભગવાન શિવજીના આશુતોષ ના સ્વરૂપ ની પૂજા શહેરના અગ્રણી દંપતિઓ દ્વારા થશે. ઉપરાંત અન્ય ભાવિકજનો પણ આ પાલખીનું પૂજન – અર્ચન – દર્શન તે જ સ્થળે કરી શકશે. ત્યાર પછી બપોરના ત્રણ વાગ્યે અહીંથી પાલખી સિધ્ધનાથ મહાદેવ મંદિરે પહોંચતી કરવામાં આવશે. જ્યાં સંતો-મહંતોની અને શહેરના શ્રેષ્ઠિઓની ઉપસ્થિતિમાં પૂજનવિધિ પછી બપોરે સાડા ચાર કલાકે શિવ શોભાયાત્રાનો પ્રારંભ થશે.
સમગ્ર કાર્યક્રમને પાર પાડવા માટે પાલખી સમિતિના સભ્યો એક જ રંગના ધાર્મીક સુત્રોનું ચિત્રણ કરેલ એક સરખા ઝભ્ભા ધારણ કરશે તેમજ ઓળખપત્ર સાથે શોભાયાત્રાનું સંચાલન કરશે. રજત મઢીત સાગના લાકડાની વિશાળ પાલખી ઊંચકનારા ભાવિક સભ્યો તમામ આ ઝભ્ભાની સાથે પિતાંબરી પણ ધારણ કરશે તેમજ આઠ કલાક ચાલનારી સમગ્ર શોભાયાત્રા દરમિયાન ખૂલ્લા પગે જોડાશે.
શોભાયાત્રામાં મહાદેવહર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલી ભગવાન શિવજીની સુવર્ણ અલંકારો સજીત ચાંદીની પાલખી સહિત ત્રણ ફલોટસ તદ્ઉપરાંત રૂદ્રાય ચેરીટેબલ ટ્રસ્ટ (એક ફલોટ), શિવસેના (એક ફલોટ), સતવારા સમાજ (૩ ફલોટ), ભગવા યોદ્યા સંઘ (બે ફલોટ), નાગેશ્વર મિત્ર મંડળ (એક ફલોટ) ભગવા રક્ષક (બે ફલોટ), હિન્દુ સેના (બે ફલોટ),બાળ હિન્દૂ સેના, શિવ નાગેશ્વર મિત્ર મંડળ (૧ ફલોટ), ઓમ યુવક મંડળ (એક ફલોટ), વિરાટ બજરંગ દળ (એક ફલોટ) સહિતના મંડળો દ્વારા ૧૯ જેટલા સુંદર અને આકર્ષક ફલોટ્સ તૈયાર કરવામાં આવશે. સમગ્ર શોભાયાત્રા દરમિયાન મહાદેવહર મિત્ર મંડળ દ્વારા સતત શિવ ભજનાવલિ-ધૂન રજૂ કરાશે. બેંડ વાજાં, ઢોલ, શરણાઇની સુરાવલી સાથે શ્રધ્ધાળુ ભાઇ-બહેનો વગેરે જોડાશે. કેટલાક યુવક મંડળો દ્વારા તલવારબાજી, લાઠીદાવ, લેઝીમ, પીરામીડ તેમજ અંગ કસરતના કરતબોના કારણે શોભાયાત્રા ભવ્ય બનશે. ઉપરાંત ડી. જે. સાથેના પણ કેટલાક ફલોટ્સ જોડાશે.
બપોરે સાડા ચાર વાગ્યે નાગેશ્વર વિસ્તારમાં આવેલા પૌરાણીક સુપ્રસિધ્ધ શ્રી સિધ્ધનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન થનારી આ શોભાયાત્રા નાગનાથ ગેઇટ, કે.વી.રોડ, બેડી ગેઇટ, રણજીત રોડ, સજૂબા ગર્લ્સ હાઇસ્કૂલ, હેડ પોસ્ટ ઓફીસથી દરબારગઢ, બર્ધન ચોક, માંડવી ટાવર, સેન્ટ્રલ બેંક રોડ, હવાઇ ચોક, સત્યનારાયણ મંદિર રોડ, ભાટની આંબલી, પંચેશ્વર ટાવર, નિલકંઠ ચોક, ટાઉન હોલ થઇ રાત્રે ૧૨.૩૦ કલાકે શ્રી ભીડભંજન મહાદેવ મંદિરે પહોંચશે જયાં રાત્રીના મહાઆરતી પછી શોભાયાત્રા સંપન્ન થશે.
આ ઉપરાંત શોભાયાત્રાના માર્ગ પર વિવિધ જ્ઞાતિમંડળો, સેવા સંસ્થાઓ, યુવક મંડળો, ધાર્મિક સંગઠનો, મિત્ર મંડળો, વેપારી મંડળો, અગ્રણી વ્યાપારીઓ દ્વારા પોતાના કાર્યક્ષેત્રનાં વિસ્તારો ધજા-પતાકા, મંડપ, કમાન, રોશનીથી શણગારવામાં આવશે. તેમજ જે તે વિસ્તારમાંથી પસાર થનારી શિવશોભા યાત્રાનું સ્વાગત કરશે. જેમાંના કેટલાક મંડળો દ્વારા પોતાના સ્થાનિક વિસ્તારમાં ઠંડા પીણાં, સરબત, દૂધ કોલ્ડ્રીંકસ, સૂકીભાજીની પ્રસાદીની સમસ્ત ભાવિકજનો માટે સેવા પૂરી પાડશે.
આ ભવ્ય શિવ શોભાયાત્રામાં જોડાવા અને દર્શનનો લાભ લેવા માટે જામનગરના ધર્મ પ્રેમીઓને હિન્દુ ઉત્સવ સમિતિના અધ્યક્ષ શ્રી ચતુર્ભુજદાસજી મહારાજ, કાર્યકારી અધ્યક્ષ ધીરૂભાઇ કનખરા તેમજ મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ રાજેશ વ્યાસ (મહાદેવ) ની યાદીમાં જણાવાયું છે.
-શિવ શોભાયાત્રામાં નવા આકર્ષણ રૂપે ભગવાન શિવજીની છ ફૂટના કદની રજત મઢીત ‘છડી’ તૈયાર કરાઈ
નગરમાં મહાશિવરાત્રીના પર્વના દિવસે યોજાતી શિવ શોભાયાત્રા માં પ્રતિવર્ષ અવનવા આકર્ષણો ઊભા કરવામાં આવે છે, ત્યારે આ વખતે મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભગવાન શિવજી ની છ ફૂટના કદની આશરે સાડા ત્રણ કિલો રજત મઢીત ‘છડી’ તૈયાર કરવામાં આવી છે, જેને ગઈકાલે ખુલ્લી મુકવામાં આવી હતી.

























































