Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
મધ્યપ્રદેશ રાજ્યના રતલામ જિલ્લાના કમલપાડા વિસ્તારના મૂળ રહીશ અને હાલ પોરબંદર તાલુકાના સોઢાણા ગામે રહી અને ખેત મજૂરી કામ કરતા નંદરામ સોમા ગરવાલ નામના 32 વર્ષના શખ્સે સોમવાર તા. 9 ના રોજ બપોરના સમયે ભાણવડ તાલુકાના સણખલા ગામે તેના પત્ની રેખાબેન સાથે ઘઉમાં પાણી વાળવા બાબતે ઝઘડો કરી બોલાચાલી કરી હતી.
આ બનાવ બાદ ઉશ્કેરાયેલા નંદરામ ગરવાલે પોતાના પત્ની રેખાબેનને માથામાં લોખંડના પાવડાનો ઘા ઝીંકી દીધો હતો. આટલું જ નહીં, આરોપી દ્વારા પોતાના પત્નીને બેફામ માર મારી, ગંભીર ઇજાઓ પહોંચાડી ગળાના ભાગે હુમલો કરતા અથવા તો ગળું દબાવી દેતા તેમનું મૃત્યુ નિપજાવ્યું હતું.
જે અંગેની ધોરણસર ફરિયાદ પ્રતાપભાઈ ભીખાભાઈ કોડીયાતરએ નંદરામ સોમા સામે ભાણવડ પોલીસ મથકમાં નોંધાવી હતી. આ બનાવ બનતા ડીવાયએસપી વી.પી. માનસેતા તેમજ ભાણવડના પી.આઈ. સી.એલ. દેસાઈ તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તાકીદની કાર્યવાહી કરી, આરોપીની અટકાયત કરી લીધી હતી. ઝડપાયેલા આરોપીને તપાસનીસ પોલીસ અધિકારી પી.આઈ. ચેતન દેસાઈ દ્વારા અદાલતમાં રજૂ કરવામાં આવતા નામદાર અદાલતે આરોપી પતિ નંદરામ સોમા ગરવાલને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.























































