Mysamachar.in-
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ જાહેર થઈ ગઈ છે. પરીક્ષાર્થીઓનું રજિસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયું હોય, નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા જાહેર કરવામાં આવી છે.
જામનગર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ જાહેર કરેલા આંકડાઓ અનુસાર, જામનગર શહેર અને જિલ્લામાં ધો. 10ની બોર્ડ પરીક્ષાઓ માટે કુલ 17,343 વિદ્યાર્થીઓ નોંધાયા, જેમના માટે કુલ 9 સેન્ટર અંતર્ગત 59 શૈક્ષણિક ઈમારતોના કુલ 575 બ્લોકમાં પરીક્ષાઓની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
ધો. 12ની વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાઓ માટે 2 સેન્ટર છે, કુલ 10 શૈક્ષણિક સંસ્થાઓની ઈમારતોમાં કુલ 95 બ્લોકમાં 1,905 વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપી શકે એવી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ માટે કુલ 9,169 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેમની બોર્ડ પરીક્ષાઓ માટે 5 પરીક્ષા કેન્દ્ર ખાતે કુલ 31 શૈક્ષણિક સંસ્થાઓમાં કુલ 301 બ્લોકની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સંસ્કૃત પ્રથમાની પરીક્ષાઓ માટે 46 અને મધ્યમાની પરીક્ષાઓ માટે 75 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. આ તમામ પરીક્ષાઓ જ્યાં લેવાનાર છે તે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં CCTV કેમેરાની વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર જિલ્લામાં કુલ 6 તાલુકા છે. આટલાં મોટા જિલ્લામાં ધો. 12માં વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ મળી કુલ માત્ર 11,000 જેટલાં જ વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપશે, એકંદરે આ આંકડો ઓછો કહી શકાય. જામનગરના વિદ્યાર્થીઓ ભણવા માટે અન્ય જિલ્લાઓમાં જતાં રહે છે ? શાથી ?અને, આટલાં ઓછાં વિદ્યાર્થીઓ સામે શૈક્ષણિક સંસ્થાઓની સંખ્યા ઘણી મોટી છે. કોલેજો પણ ઘણી છે. આ બધી શૈક્ષણિક સંસ્થાઓ પાસે બહુ ઓછાં વિદ્યાર્થીઓ હશે, એવું આ આંકડાઓ પરથી સમજી શકાય છે.






















































