Mysamachar.in-જામનગર:
આપણાં વડવા પણ એ કળા અને વિજ્ઞાન જાણતાં કે, જો આપણે ચોમાસામાં વરસાદી પાણીનો સંગ્રહ કરી લઈએ તો, આ સંચિત મીઠું પાણી વર્ષ દરમ્યાન કામ આવે અને દુકાળના સમયમાં તો આ પાણી આશિર્વાદ બની જાય. આ માટે લોકો મકાનોમાં વિશાળ ભોંટાંકા (underground tank)બનાવતાં.
આ જ કોન્સેપ્ટ હવે રાજ્ય સરકારની સૂચનાઓ મુજબ, મહાનગરપાલિકાઓ અપનાવી રહી છે. હાલમાં જામનગર મહાનગરપાલિકાએ એવો નિયમ રાખ્યો જ છે કે, જે ઈમારતોમાં ગ્રાઉન્ડ કવરેજ બિલ્ટઅપ એરિયા 80 ચો.મી.થી વધુ હોય તેના માટે વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ ફરજિયાત છે. આ ઉપરાંત જો બિલ્ટ અપ એરિયા આથી ઓછો હોય અને તે બાંધકામોમાં આ સિસ્ટમ બેસાડવામાં આવે તો તેવા બાંધકામોને એક વખત માટે 10 ટકા રિબેટ આપવામાં આવશે. આ માટે સિસ્ટમના GPS લોકેશન સાથેના ફોટોગ્રાફ્સનું પ્રથમ વેરિફિકેશન કરવામાં આવશે. શહેરમાં વરસાદી પાણીના સંચયને વધારવા તથા આ બાબતે અવેરનેસ વધારવા, પ્રોત્સાહન આપવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.


























































