Mysamachar.in-ગાંધીનગર:
ગત્ રોજ ગાંધીનગરથી રાજ્ય ચૂંટણીપંચે તમામ જિલ્લાના કલેક્ટર અને મહાપાલિકાઓના કમિશનરને આગામી ચૂંટણીઓની તૈયારીઓ કરવાની સૂચનાઓ આપી હોવાનું જાણવા મળે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વર્તમાન સતાધારી પાંખની મુદ્દતો આગામી સમયમાં પૂર્ણ થઈ રહી છે. નવી બોડીની રચના માટે ચૂંટણીઓની તૈયારીઓ કરવા પંચે સ્થાનિક તંત્રોને સૂચનાઓ આપી દીધી છે. સોમવારની વીડિયો કોન્ફરન્સમાં તમામ સંબંધિત અધિકારીઓને કહેવાયું છે કે, ડેટા એન્ટ્રી કામગીરીઓ અધૂરી હોય એ પૂર્ણ કરી લ્યો, અને મતકુટીર માટેની વ્યવસ્થાઓ અને ચૂંટણીઓ માટેની તમામ સામગ્રીઓ એકત્ર કરી લ્યો.
એમ માનવામાં આવે છે, બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થતાં જ ચૂંટણીઓ માટેની તૈયારીઓ ધમધમશે. દરમ્યાન, ટૂંક સમયમાં પંચ ચૂંટણીઓની જાહેરાત કરી દે તેવી પણ શકયતાઓ છે. કેમ કે, બીજી તરફ રાજ્ય સરકારે પણ જિલ્લા આયોજન મંડળ સહિતની સંસ્થાઓને વર્તમાન નાણાંકીય વર્ષ માટેની ગ્રાન્ટનો ઝડપથી ઉપયોગ કરી લેવા અને ચૂંટણીઓ માટેની આચારસંહિતા જાહેર થાય એ પહેલાં નવા વિકાસકામો માટેના ‘નાળિયેર વધેરી લેવા’ સૂચનાઓ આપી દીધી હોવાનું બહાર આવ્યું છે.
રાજ્યમાં 8 હૈયાત મહાનગરપાલિકા છે અને 9 નવી મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે. નવી મહાનગરપાલિકાઓમાં સીમાંકન સહિતની કામગીરીઓ શરૂ થઈ ગઈ છે. એ મુજબ મતદાન મથક વગેરે વ્યવસ્થાઓ ગોઠવવા તૈયારીઓ શરૂ કરી દેવા જણાવાયું છે. આ જાહેરાતના પગલે હવે દરેક જિલ્લાઓમાં ચૂંટણીઓ સંબંધિત સામગ્રીઓની ખરીદી માટેની ટેન્ડર પ્રક્રિયાઓ શરૂ થઈ જશે. અને બીજી તરફ રાજકીય પક્ષોમાં પણ દોડધામને ગતિ મળશે.


























































