Mysamachar.in-જામનગર:
સમગ્ર સૌરાષ્ટ્ર તથા ગુજરાતભરમાં જામનગરનો ‘કારોબાર’ ખાસ કરીને બ્રાસ ઉદ્યોગ કરચોરી અને કૌભાંડ મુદ્દે ‘હબ’ બની ગયાની વિગતો એક કરતાં વધુ વખત રેકર્ડ પર પણ નોંધાઈ ગઈ, હવે જામનગર GST તંત્રના 2 અધિકારીઓને હાલ પૂરતાં ‘ઘર’માં બેસાડી દેવામાં આવતાં સનસનાટી તો મચી ગઈ છે પરંતુ અસલી કડાકાભડાકા આગામી ચોમાસા પહેલાં સંભળાશે, કારણ કે ચાર્જશીટ હવે તૈયાર થશે.
જામનગર GST તંત્રના આસિસ્ટન્ટ કમિશનર એસ.કે.પટેલ અને ટેક્સ ઓફિસર રાહુલ મોટાને હાલ ઘરે બેસાડી દેવામાં આવ્યા છે. આ અંગે જો કે રાજ્યના GST વિભાગ દ્વારા કોઈ સત્તાવાર યાદી બહાર પાડવામાં આવી નથી પરંતુ અત્યંત આધારભૂત સૂત્રના જણાવ્યા અનુસાર, રાજ્યના નાણાં મંત્રાલય દ્વારા આટલી ગંભીર કાર્યવાહીઓ કરવામાં આવી છે, તેનો અર્થ એ થઈ શકે કે, આ મામલો અત્યંત ગંભીર અને પેચીદો છે. સામાન્ય રીતે કોઈ પણ સરકારી વિભાગ તાબાના અધિકારીઓને છાવરે અથવા સાચવી લ્યે પરંતુ જ્યારે રેકર્ડ પર ગંભીર કાર્યવાહીઓ શરૂ થઈ જાય પછી કસૂરવારો ભાગ્યે જ બચી શકે. આ કિસ્સામાં શું થશે ? એ પ્રશ્નનો ઉત્તર આગામી 90 દિવસ દરમ્યાન મળી શકશે. કારણ કે, આ 3 મહિનાઓ દરમ્યાન આ મામલામાં આ બે અધિકારીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થશે, જેમાં ‘ગુનાઓ’ની વિગતો હોવા સંભવ છે.
હાલ તો જામનગર GST તંત્ર પર માત્ર વીજળી ત્રાટકી છે, અસલી કડાકાભડાકા એપ્રિલ-મે માં મતલબ નવા નાણાંકીય વર્ષમાં થશે. ગાંધીનગર SGST અને CGST વિભાગ તથા નાણાં મંત્રાલય ખાતે ‘જામનગર’નું નામ લાલ અક્ષરે લખાઈ ગયેલું હોવાનું સૂત્ર જણાવે છે, આ સસ્પેન્સન ઓર્ડર આવ્યા એ પહેલાં જામનગરમાં ગાંધીનગર, સુરત અને અમદાવાદથી ઘણાં દરોડા પણ પડ્યા છે. અને એ દરમ્યાન પણ જામનગરની ગતિવિધિઓ ઉપરી સ્તરે હંમેશા રડારમાં રહી.
જામનગરમાં કેટલાંક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ઉદ્યોગપતિઓ, ટેક્સ પ્રેક્ટિશનર્સ વગેરે નજીકના ભૂતકાળમાં હડફેટમાં આવી ગયા બાદ હવે અંદર એટલે કે ઓફિસમાં સાફસૂફી શરૂ થઈ છે. જામનગરમાં ‘સ્પીડ મની’ બનાવતા ઉદ્યોગપતિઓ અને કૌભાંડી તત્વોને વિભાગમાંથી ચોક્કસ પ્રકારનો ‘સહયોગ’ પ્રાપ્ત થઈ રહ્યો છે, એવી માહિતીઓ અને વિગતો, જામનગરમાંથી બહાર નીકળી, છેક નાણાં મંત્રાલય-ગાંધીનગર સુધી પહોંચી ગઈ, આથી આ બે અધિકારીઓનો વારો ચડી ગયો, એમ પણ અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે. હાલ જામનગર તંત્ર ‘આઘાત’ની અસરોમાં છે. કારણ કે, હાલમાં થયેલી આ કાર્યવાહીઓ અત્યંત ગંભીર છે.


























































