Mysamachar.in-જામનગર:
જામનગર શહેર અને જિલ્લામાં જમીનોમાં કુંડાળાઓ કરવા, જમીનોના કૌભાંડો આચરવા અને સરકારી જમીનો ‘બાપુજી’ની મિલકત સમજી, પ્લોટીંગ પાડી વેચી મારવી અને નાણાં ખિસ્સામાં સેરવી લેવા એ પ્રકારનો ધંધો કેટલાંક તત્વો માટે જાણે કે ગૃહઉદ્યોગ હોય તે રીતે ધમધમતો રહે છે, પછી જ્યારે તંત્રને ‘ખબર પડે’ ત્યારે પોલીસ ફરિયાદો દાખલ થતી રહે છે, આવી વધુ એક ફરિયાદ શહેરના રણજિતસાગર રોડ નજીકની એક લગડી જમીન સંબંધે થઈ છે.
જામનગર શહેર મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર-2 જીતેન્દ્ર પીપરીયા દ્વારા આ પોલીસ ફરિયાદ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કુલ 6 શખ્સો વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, સરકારની તથા નદી કાંઠાની આશરે રૂ. 2.80 કરોડની બજારકિંમત ધરાવતી જમીન આ શખ્સોએ પચાવી પાડી, ગેરકાયદેસર પ્લોટીંગ કરી, લોકોને વેચી નાંખી છે અને જમીનના બદલામાં રોકડા નાણાં મેળવી લઈ ખિસ્સામાં સેરવી લીધાં છે.
આ ફરીયાદમાં જણાવ્યા અનુસાર, આ તહોમતદારોએ શહેરના રણજિતસાગર રોડ નજીક નદી કાંઠે આવેલા સરકારી ખરાબાના રેવન્યુ સર્વે નંબર 1125 વાળી જમીન તથા તથા તેની નજીકની નદી કાંઠાની નંબર વગરની કુલ અંદાજિત 8,586 ચોરસ મીટર જમીન છળકપટથી કબજો કરી, ખોટાં નકશા બનાવી તેમાં 66 પ્લોટ પાડી નાંખ્યા, જેના ખોટાં વેચાણ કરાર કરી નાંખ્યા અને આ વેચાણ કરારને મોર્ગેજ (કિંમતી જામીનગીરી) તરીકે મૂકી આ શખ્સોએ આ પ્લોટ ખરીદનાર લોકોએ લીધેલી લોનના નાણાં પોતાના ખિસ્સામાં સેરવી લીધાં.
આ ફરિયાદમાં આરોપીઓ તરીકે મનસુખ રતિલાલ ભટ્ટી (સોનલ માતાના મંદિર પાસે, પ્લોટ 49), આમદ ઉમર ખફી (મસીતીયા વાડી વિસ્તાર), નૂરમામદ દાઉદ ચાવડા ઉર્ફે બોદુ (જોડીયાભૂંગા), રાજેશ કાંતિલાલ મારૂ (સાધના કોલોની, બ્લોક નંબર એલ-10/2356), યજ્ઞેશ રતિલાલ રાણપરીયા (કૃષ્ણનગર શેરી નંબર 5) તથા જગદીશ ગણેશ ચોવટીયા( મારૂ કંસારા હોલ પાછળ)ના નામો દર્શાવવામાં આવ્યા છે.
આવી જમીનોનું વેચાણ સલામત રીતે થઈ કેમ ગયું ?!..
આ ફરિયાદ પરથી કહી શકાય કે, આ જમીનો સરકારી ખરાબાના રેવન્યુ રેકર્ડ સર્વે નંબર ધરાવે છે, આ જમીનો પૈકી અમુક જમીનો સર્વે નંબર ધરાવતી જ નથી, નદી કાંઠાની જમીનો છે, આવી જમીનોના વેચાણ કરાર કોના મારફતે થયા, આવી જમીનોના બદલામાં, જમીનો વેચનારને, જમીનો ખરીદનારે અથવા જો બેંક લોન હોય તો, જમીન ખરીદનાર વતી કોણે નાણાં આપ્યા, શા માટે અને ક્યા આધારે આપ્યા અને જમીન ખરીદનારાઓને ગરીબ મધ્યમવર્ગના દર્શાવવામાં આવ્યા છે, તેમણે કોઈની પણ કાનૂની સલાહ લીધાં વગર આ જમીનો ખરીદી લીધી ?! અને મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે, ચાર વર્ષ અગાઉ 2022ના સપ્ટેમ્બરથી આ કુંડાળાઓ શરૂ થયા, તંત્રએ ફરિયાદ અત્યારે 2026માં દાખલ કરાવી છે.


























































