Mysamachar.in-અમદાવાદ”
સમાજમાં આકાર લેતી કેટલીક ઘટનાઓના અંત કરૂણ હોય છે પરંતુ આવી કથાઓ ચાલુ હોય છે એ દરમ્યાન આપણાં સમાજની અને શાસનની કેટલીક બાબતો ઉઘાડી પડી જતી હોય છે, બાબુ કોન્સ્ટેબલ ઉર્ફે બાબુભાઈ પ્રજાપતિનો કિસ્સો આ પ્રકારનો વિચિત્ર કિસ્સો છે.
બાબુભાઈ પ્રજાપતિ નામનો એક કોન્સ્ટેબલ અન્ય 2 કોન્સ્ટેબલ સાથે, 1 ટ્રકચાલક પાસેથી રૂ. 20ની લાંચ લેવાના મુદ્દે 1997માં ACBના હાથમાં ઝડપાઈ ગયો. ત્યારબાદ 29 વર્ષ સુધી મામલો અદાલત સમક્ષ રહ્યો. ત્યાર પછી આ મામલામાં ગુજરાતની વડી અદાલતે બાબુભાઈ પ્રજાપતિ નામના આ કોન્સ્ટેબલને નિર્દોષ જાહેર કરી, આ કેસમાંથી આઝાદ કરી દીધાં. વિલંબિત ન્યાયનું આ વરવું ઉદાહરણ છે.
29 વર્ષે આ લાંચકેસમાંથી મુક્ત થયા બાદ બાબુભાઈ બોલ્યા: આટલાં વર્ષો બાદ આ કેસમાંથી નિર્દોષ છૂટયો, હવે મને હાશ થઈ. હવે તો આ જિંદગીથી મોક્ષ મળે તો સારૂં. આ છેલ્લા શબ્દો બોલી બાબુભાઈ ઉંઘી ગયા. અને ઉંઘમાં જ તેઓ સદાયને માટે આખરી ઉંઘમાં પોઢી ગયા. સવારમાં પરિવારમાં રોકકળ થઈ ગઈ.
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં વિશાલા નજીક 1997ની સાલમાં ACBએ ગોઠવેલા લાંચના છટકામાં આ બાબુભાઈ સહિતના 3 કોન્સ્ટેબલ ઝડપાઈ ગયા હતાં, ત્યારે શરૂ થયેલી આ કથા હાલ 2026માં બાબુભાઈના મોતથી પૂરી થઈ. ન્યાયમાં વિલંબ, જટિલ અને અટપટી ન્યાય પધ્ધતિ અને નાણાં તથા સમયનો ખર્ચ કરાવતી આ પ્રથા તેમજ વર્ષો સુધી તહોમતદારને માનસિક તણાવ આપતી આ સિસ્ટમ- બધું જ બાબુભાઈના આ કેસમાં ઉઘાડું પડી ગયું.
આ ચુકાદો આવ્યો ત્યારે તેમના વકીલે બાબુભાઈને કહેલું: હવે તમારે પેન્શન સહિતના સરકારી લાભો મેળવવા માટેની પ્રક્રિયાઓ શરૂ કરવી જોઈએ. તમે નિર્દોષ સાબિત થયા છો, ત્યારે બાબુભાઈ બોલ્યા હતાં કે, જવા દો બધું…મારે હવે કોઈ લડાઈઓ કરવી નથી. આખરે બાબુભાઈ જિંદગી પણ હારી ગયા. જો કે મરજી મુજબ મોત મેળવી ગયા. મોક્ષની ઝંખના પૂર્ણ થઈ. પરંતુ સમગ્ર પરિવાર શોકમાં ડૂબી ગયો.


























































