Mysamachar.in-જામનગર:
જામનગર નજીકના મોટી ખાવડીમાં દેશી દારૂ અને વિલાયતી શરાબ ઉપરાંત ડ્રગ્સનું દૂષણ પણ છે, એ હકીકતને સમર્થન આપતાં એક મામલામાં 4 પંજાબી શખ્સો અહીંની એક હોટેલમાંથી SOGના હાથમાં ઝડપાઈ ગયા છે. જો કે, પોલીસ રેકર્ડ અનુસાર આ ચારેય પંજાબી શખ્સો ‘મજૂર’ છે.
જામનગર SOGએ જાહેર કરેલી વિગતો અનુસાર, મોટીખાવડીમાં હોટેલ 666ના રૂમ નંબર 202માં, બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો. આ દરોડામાં રૂમમાંથી 4 શખ્સો મળી આવ્યા. આ શખ્સો મૂળ પંજાબના છે, મજૂરો છે અને ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ છે. આ શખ્સોના કબજામાંથી રૂ. 83.60 લાખની કિંમતનું હેરોઈન નામનું ડ્રગ્સ સફેદ પાવડરના સ્વરૂપમાં મળી આવ્યું છે.
આ દરોડામાં કુલ રૂ. 35,000ની કિંમતના 7 નંગ મોબાઈલ અને રોકડા રૂ. 18,500 તથા એક વજનકાંટો પણ કબજે લેવામાં આવ્યો છે. આ શખ્સોના નામ વિશાલસિંઘ, હરપ્રીતસિંઘ, બિક્રમજિતસિંઘ અને જગદીપસિંઘ છે. આ મામલામાં પંજાબના અન્ય એક શખ્સ ફિલિપ ઉર્ફે ફૌજીને ફરારી જાહેર કરવામાં આવ્યો છે. SOGના PI બી.એન.ચૌધરીના માર્ગદર્શન મુજબ કરવામાં આવેલી આ કામગીરીઓ દરમ્યાન કુલ રૂ. 84.14 લાખનો હેરોઈન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ અને કાર્યવાહીઓ માટે આ સંબંધે મેઘપર(પડાણા) પોલીસ સ્ટેશનમાં NDPS ની કલમો અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ઉપરોકત વિસ્તારમાં લાખો પરપ્રાંતીય શ્રમિકો અને ભારે વાહનોના ચાલકોના રહેણાંક અને અવરજવર રહેતી હોવાથી આ સમગ્ર વિસ્તાર અનેક પ્રકારના દૂષણ મુદ્દે લાંબા સમયથી કુખ્યાત છે.



























































