Mysamachar.in-જામનગર:
સરકારી વિભાગો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની એક ખૂબી એ પણ હોય છે કે, કરોડોના ખર્ચથી કોઈ પણ સિવિલ-બાંધકામ વર્ક કરવાનું હોય, ‘ઝડપ’ થાય. પરંતુ તેમાં જો લોકોની જરૂરિયાત માટે સ્ટાફ કે નિષ્ણાંતોની ભરતીઓ કરવાની હોય તો, મહિનાઓ કે વર્ષો પણ નીકળી જાય. કાગળોની ફાઇલો આમથી તેમ ‘હરતીફરતી’ રહે. પરિણામે, કરોડોના ખર્ચથી બનેલાં બાંધકામોનો સીધો જ જરૂરિયાતમંદ લોકોને બહુ વિલંબથી લાભ મળતો થાય. તંત્રોની આ ખૂબીઓ લોકો સારી પેઠે જાણે છે.
જામનગરમાં રણજિતસાગર રોડ, હાપા યાર્ડ વિસ્તારમાં તથા ઢીંચડા વિસ્તારમાં 3 શહેરી આરોગ્ય કેન્દ્રો કરોડોના ખર્ચથી ‘ઝડપ’ રાખી તૈયાર કરી લેવામાં આવ્યા અને જાતજાતની વધામણીઓ વહેતી કરી લેવામાં આવી. હકીકત એ છે કે, અહીં બાળકો અને મહિલાઓના રોગોના નિદાન-સારવાર માટે જે નિષ્ણાંત તબીબો જોઈએ તે પૈકી 66 ટકા તબીબોની હજુ સુધી ભરતીઓ થઈ નથી !
આ 3 આરોગ્ય કેન્દ્રોમાં કુલ 6 બાળરોગ-સ્ત્રીરોગ નિષ્ણાંત તબીબોની જગ્યાઓ છે. જે પૈકી 1 આરોગ્ય કેન્દ્રમાં એક બાળકોના ડોક્ટર છે, અન્ય એક આરોગ્ય કેન્દ્રમાં એક સ્ત્રી માટેના ડોક્ટર છે, એક આરોગ્ય કેન્દ્રમાં આ બેમાંથી એકેય નિષ્ણાંત નથી ! કુલ 6 પૈકી 4 જગ્યાઓ ખાલી ! ભરતીઓની વાતો અને પ્રક્રિયાઓ વિલંબિત રાગમાં ગવાતી રહે છે.
આવું જ મહાનગરપાલિકા સંચાલિત જાહેર આરોગ્ય લેબોરેટરીનું છે. ગત્ જૂનમાં રૂ. 100 લાખનો ખર્ચ કરી, અહીં લેબોરેટરી ખડકી દેવામાં આવી. અહીં ફૂડ સેમ્પલનું પરીક્ષણ થઈ શકતું નથી ! કારણ ? અમારી પાસે ફૂડ એનાલિસ્ટ નથી. અહીં માત્ર પાણીના નમૂનાઓ જ ચેક થાય. ખાદ્ય પદાર્થોના નમૂનાઓ પરીક્ષણ માટે આજે પણ છેક વડોદરા મોકલવા પડે. ‘કામ કરતી સરકાર’ સૂત્રની સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર જે મજાક ઉડી રહી છે, તેની પાછળના કારણો આ પ્રકારના છે.
























































