Mysamachar.in-જામનગર:
મુંબઈનો મણિભાઈ નામનો ચીટર શખ્સ ગુજરાતમાં ચીટર ગેંગ ઓપરેટ કરી રહ્યો છે, આ શખ્સ સાગરિતોને કમિશન આપે છે અને ચિટીંગના નાણાંનો મોટો હિસ્સો પોતે બોસ હોવાના કારણે જમી જાય છે. જામનગરના ફોલ્ડરીયા શખ્સોને બટકું કમિશન મળી રહ્યું હોવાની વિગતો બહાર આવી. આ ચિટીંગ નેટવર્ક ક્રિપ્ટોના ગોરખધંધામાં ચાલી રહ્યું છે.
છેતરપિંડીઓ કરી, પોતાનું કમિશન કાપી, બાકીના નાણાં મુંબઈના મણિને પહોંચાડનાર જામનગરના 4 શખ્સોના નામ જાહેર થયા. આ ચીટરોના નામો તેજસ મહેન્દ્ર સંઘવી, સચિન અતુલ આશર, ચિરાગ હિતેશ ગુજરાતી અને અશોક અમૃત ખાણધર છે.
આ ચાર ચીટર પૈકીનો તેજસ નામનો શખ્સ અગાઉ ગોવાથી જામનગર આવી રહ્યો હતો ત્યારે, સાયબર ક્રાઈમ બ્રાંચે તેને ચાલુ ટ્રેનમાં દબોચી લીધો હતો અને ત્યારબાદ તેની આકરી પૂછપરછમાં તેણે આ કુંડાળાના સાગરિતો સચિન, ચિરાગ અને અશોકના નામ આપ્યા. બાદમાં મુંબઈના મણિનું નામ પણ સામે આવ્યું- એમ સાયબર ક્રાઈમ બ્રાંચે જાહેર કર્યું.
આ ગેંગના જામનગરના ચારેય સાગરિતો સુરત સાયબર સેલના હાથમાં ઝડપાઈ ગયા છે. આ શખ્સો crypto કરન્સી રેકેટ ચલાવતા હતાં. આ શખ્સો લાલચુ લોકોને ઉંચા વળતરની લાલચ આપી છેતરપિંડીઓ કરતાં. આવો એક મામલો હાલ જાહેર થયો, જેમાં રૂ. 12.20 લાખની ઠગાઈની વાત છે. આ રકમ પૈકી 10 લાખ મુંબઈના મણિ સુધી પહોંચાડવામાં આવ્યા.
આ રકમ પૈકીના રૂ. 2.20 લાખમાંથી રૂ. 20,000 ચિરાગ પાસે આવ્યા, સચિન 80,000 કમાયો. બાકીના રૂ. 1.20 લાખ અશોકે રાખ્યા. આ મામલામાં તેજસે પોતાનું બેન્ક એકાઉન્ટ ભાડે આપેલું…જેમાં રૂ. 5 લાખના ટ્રાન્ઝેક્શન થયા. આ નાણાં બેંકમાંથી ઉપાડી સચિનને આપવામાં આવ્યા.
સાયબર સેલ કહે છે, સચિને તેજસ પાસેથી એકાઉન્ટ ભાડે લઈ 2 ટકા કમિશન સાથે અશોકને આપી દીધું. ચિરાગ બેંકમાંથી નાણાં ઉપાડી અશોકને આપતો. અશોક મુંબઈ મણિને નાણાં મોકલતો. અશોક મણિભાઈને રોકડા નાણાં પહોંચાડતો. સાયબર સેલે હજુ મણિની ધરપકડ કરી નથી. મણિ પકડાશે પછી છેતરપિંડીઓના અન્ય કેસ પણ સામે આવી શકે. મુંબઈ અને જામનગર વચ્ચે ધમધમતું આ કૌભાંડ સુરત સાયબર સેલની હડફેટે ચડી ગયું. તેજસની બાતમી સુરત સાયબર સેલ સુધી કેવી રીતે પહોંચી, એ વિગત હાલ બહાર આવી નથી.

























































