Mysamachar.in-જામનગર:
રાજ્યમાં જમીનો પર કબજો જમાવી દેનાર ઈસમો માટે લેન્ડ ગ્રેબિંગનો કાયદો અમલમાં છે અને આ કાયદાની અમલવારી માટે જીલ્લા સ્તરે કલેકટરના અધ્યક્ષસ્થાને એક કમિટીની રચના થયેલ છે જે આવેલ અરજીઓની તપાસ કરી જો જમીન પચાવી પાડવાનો મામલો પ્રથમ દર્શનીય રીતે સ્પષ્ટ થતો હોય તો લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ કરવાનો આદેશ પણ આપે છે, જામનગરમા પણ છેલ્લા કેટલાક સમયથી લેન્ડ ગ્રેબિંગ એક્ટ માટે મળતી બેઠકમાં ધડાધડ પોલીસ ફરિયાદના આદેશ આપવામાં આવી રહ્યા છે, જે પારકી જમીનો પર કબજો જમાવનાર માટે ધાક બેસાડનાર છે.
કલેકટર કચેરીના આધારભૂત સુત્રોએ Mysamachar.in ને જણાવ્યું કે તારીખ 27 જાન્યુઆરીના રોજ જીલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં જમીન પચાવી પાડવા અંગેની કેટલીક અરજીઓ મળી હતી જેમાંથી એક જ ઝાટકે પાંચ કેસોમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાનો આદેશ જીલ્લા કલેકટર કેતન ઠક્કરે કરતા જમીનો પચાવી પાડનાર ઈસમોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 અન્વયે રજૂ થયેલી અરજીઓ બાબતે નિર્ણય લેવા માટે કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં તપાસનીશ અધિકારીઓએ તપાસ કરીને અહેવાલ રજૂ કર્યો હતો. જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા, સહિતના ઉચ્ચ અધિકારીઓ (કમિટીના સભ્યો) ઉપસ્થિત રહ્યા હતાં મુકવામાં આવેલ કેસો પૈકી 1 સરકારી જગ્યા અને 4 ખાનગી જગ્યાઓમાં થયેલ પેશકદમી પર કલેકટરે તમામ નિષ્કર્ષના અંતે પાંચેય કિસ્સાઓમાં લેન્ડ ગ્રેબિંગ થયાનું જણાઈ આવતા પોલીસ ફરિયાદ નોંધવા માટે આદેશ કર્યો છે.
મહત્વનું છે કે જામનગર કલેકટર ઠક્કરની ત્વરિત નિર્ણયોની સ્ટાઈલ છેલ્લા કેટલાક સમયથી જામનગરથી માંડીને ગાંધીનગર સુધી હકારાત્મક રીતે ભારે ચર્ચાઓમાં છે કારણ એવું પણ છે કે તાજેતરમાં જ મોટા માથાઓના કહી શકાય તેવી કરોડોની કિમતની જમીનની જે-તે સમયે પ્રમાણિત કરવામાં આવેલ નોંધો પણ રદ કરીને કોઈની શેહ શરમ રહેશે નહિ તેવું ઉદાહરણ પણ પૂરૂ પાડવામાં આવ્યા બાદ તાજેતરમાં જ જમીનો દબાવી લેવાના કિસ્સામાં એકીસાથે 5 અરજીઓમાં પોલીસ ફરિયાદનો હુકમ જામનગર કલેકટર કચેરીમાં કોઈની ભાર ભલામણ ચાલશે નહિ તે સ્પષ્ટ કરે છે.

























































