Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયાના રામનગર વિસ્તારમાં રહેતા એક પરિણીત યુવાનની તીક્ષણ હથિયારો વડે કરપીણ હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ પ્રકરણમાં આ જ વિસ્તારમાં રહેતા તેના પરિવારના જ બે યુવતીઓ અને તેણીના પિતા સહિત ત્રણ સામે ધોરણસર ગુનો નોંધાયો છે. આ ચકચારી બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા નજીક રામનગર વિસ્તારમાં ગુંદમોરા સીમ ખાતે રહેતા જશવંતભાઈ અશ્વિનભાઈ ચોપડા નામના 25 વર્ષના સતવારા યુવાનના લગ્ન થોડા સમય પૂર્વે પ્રિયા નામની એક યુવતી સાથે થયા હતા. બે નાની બહેનો તથા માતા-પિતા સાથેના સંયુક્ત પરિવારમાં તેઓ રહેતા હતા.
ગઈકાલે રવિવારે સવારના સમયે જશવંતભાઈના પિતા અશ્વિનભાઈ તથા માતા કાંતાબેન વિગેરે તેમની ભટ્ટગામ ગામની સીમમાં આવેલી તેમની વાડીએ ખેતીકામ અર્થે ગયા હતા. આ પછી આ જ વિસ્તારમાં રહેતા અશ્વિનભાઈ ચોપડાના પિતરાઈ ભાઈ રવજીભાઈ ભાણાભાઈ ચોપડાનો તેમને ફોન આવ્યો હતો અને તાકીદે રવજીભાઈએ તેમને પોતાના ઘરે બોલાવ્યા હતા. અહીં પહોંચતા રવજીભાઈના ઘરના એક રૂમમાં જશવંતનો લોહી નીતરતો મૃતદેહ પડ્યો હતો. તેના ચહેરા પર ખાતરનું પ્લાસ્ટિકનું અડધું બાચકું પહેરાવેલું હતું અને શરીરની આજુબાજુ લોહી વહેતું હોવાનું જોવા મળ્યું હતું.
આમ, જશવંતના કપાળના ભાગે માથા પર કોઈ તીક્ષણ હથિયારો ના ઘા મારી, તેમનું મૃત્યુ નિપજાવ્યાનું ખુલવા પામ્યું હતું. આ સ્થળે રહેલા જ્ઞાતિના આગેવાનો વિગેરેની ઉપસ્થિતિમાં રવજીભાઈએ અશ્વિનભાઈ ચોપડાને જણાવ્યું હતું કે તારા દીકરા જયવંતને મેં તથા મારી દીકરી કિરણ અને કાજલએ મારી નાખ્યો છે.
આમ, તીક્ષ્ણ હથિયારો વડે કોઈ કારણોસર જશવંતભાઈ રવજીભાઈ ચોપડાની હત્યા કરવા ખંભાળિયા પોલીસે મૃતકના પિતાની ફરિયાદ પરથી અશ્વિનભાઈ ચોપડાના પિતરાઈ ભાઈ રવજીભાઈ ભાણાભાઈ ચોપડા તથા તેમની બે પુત્રીઓ કિરણબેન રવજીભાઈ અને કાજલબેન રવજીભાઈ ચોપડા સામે ધોરણસર ગુનો નોંધી આગળની તપાસ ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી દ્વારા હાથ ધરવામાં આવી છે. આ બનાવ બનતા અહીંના જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા, ડીવાયએસપી વી.પી. માનસેતા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોસ્ટમોર્ટમ ની તેમજ આરોપીઓને ઝડપી લેવા માટેની કાર્યવાહી કરી હતી. તસ્વીર અને અહેવાલ કુંજન રાડિયા























































