Mysamachar.in-જામનગર
જામનગરમાં લાલ બંગલા કોર્ટ સંકુલ ખાતે તથા વકીલની ખુદની ઓફિસે એક વકીલને, છરી દેખાડી રૂ. 10 લાખની માંગણી કરવામાં આવી, રૂ. 10,000ની લૂંટ કરવામાં આવી તથા અપહરણ કરવામાં આવ્યું એવા મતલબની એક ફરિયાદ વકીલે દાખલ કરાવી. આ મામલામાં ફરિયાદી વકીલ તથા આરોપી વચ્ચે રૂપિયાની લેતીદેતીનો નાણાંકીય વ્યવહાર હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
જામનગરના વકીલ(આ ફરિયાદના ફરિયાદી)પંકજ લહેરૂએ 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. આ ફરિયાદમાં આરોપીઓ તરીકે મુન્ના આંબલિયા, ગટુ આશિફ, સમીર રફીક અને હલુ આંબલિયા ઉર્ફે પટેલના નામો છે. આ ચારેય શખ્સો જામનગરના રહેવાસી છે.
ફરિયાદમાં વકીલ કહે છે: મારે અને આરોપીને રૂપિયાની લેતીદેતીનો વ્યવહાર છે. હલુ પટેલના કહેવાથી મુન્ના નામના શખ્સે લાલ બંગલા કોર્ટ પહોંચી વકીલને ગાળો ભાંડી, બાદમાં હલુ પટેલના કહેવાથી ગટુ અને સમીરે વકીલની ઓફિસે જઈ, ગટુએ વકીલને છરી દેખાડી રૂ. 10 લાખની માંગણી કરી, વકીલે રૂપિયા આપવા ના પાડી, ગટુ તથા સમીરે વકીલને ઢીકાપાટુનો માર માર્યો, માથું દીવાલમાં ભટકાડયું, સમીરે મૂઠ કાઢી વકીલને જાનથી મારી નાંખવા ધમકી આપી, વકીલ પાસેથી રૂ. 10,000 ની લૂંટ કરી, વકીલનું અપહરણ કર્યું. તેના પરિવાર પાસેથી રૂપિયા કઢાવવા ધમકી આપી, હલુ પટેલના કહેવાથી સમીરે વકીલને જાનથી મારી નાંખવાની ધમકી આપી. આ બધું 28મી જાન્યુઆરીએ બનેલું. 30મી જાન્યુઆરીએ ફરિયાદ દાખલ કરાવવામાં આવી. જેમાં ઉપરોકત બધી બાબત વકીલે પોલીસમાં લખાવી છે.























































