Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકા નાણાંકીય લેવડદેવડ કરવામાં કાચી છે, એવું મહાનગરપાલિકાના ખુદના આંકડાઓ દર્શાવે છે. મહાનગરપાલિકાએ વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓને રૂ. 1,027 કરોડ દેવાના થાય છે. આ આંકડા 30-11-2025ની સ્થિતિઓ દર્શાવે છે. આ ઉપરાંત મહાનગરપાલિકાએ નગરજનો અને સરકાર પાસેથી રૂ. 848 કરોડ લેવાના થાય છે. આ આંકડાઓ 26-01-2026ની સ્થિતિઓ દેખાડે છે.
મહાનગરપાલિકાએ શુક્રવારે જે ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું તેમાં જે આંકડાઓ જાહેર થયા તે દેખાડે છે કે, મહાનગરપાલિકા લોકોને વિતરણ કરવા જેમની પાસેથી પાણી મેળવે છે તે સરકારી વિભાગોને મહાનગરપાલિકા પાણી ખરીદીના નાણાં કદાચ આપતી જ નથી. કારણ કે, આંકડાઓ અનુસાર મહાનગરપાલિકાએ આજી-3, ઉંડ ડેમ, GWIL, જામનગર સિંચાઈ વિભાગ તથા રાજકોટ સિંચાઈ વિભાગને કરોડો રૂપિયા આપવાના હજુ બાકી છે. નગરજનોને ટીપી ડીપી કપાત વળતરના રૂ. 20 કરોડ પણ મહાનગરપાલિકાએ આપ્યા નથી. જેમાં વ્યાજ ગણતરી કરવામાં આવી નથી, આ મૂળ રકમ છે.
આ સાથે જ મહાનગરપાલિકાએ ધંધાર્થીઓ પાસેથી રૂ. 124 કરોડનો વ્યવસાય વેરો, રૂ. 94 કરોડનો એક વોટર ચાર્જ અને રૂ. 50 કરોડનો બીજો ત્રીજો વોટર ચાર્જ, રૂ. 550 કરોડનો મિલકતવેરો તથા અન્ય કેટલાંયે પ્રકારના લેણાં તા. 26-01-2026ની સ્થિતિએ ચોપડે બાકી લેણાં તરીકે ઉભા છે. મહાનગરપાલિકા વર્ષોથી આ પ્રકારના આંકડાઓમાં કશું સરભર કરી શકતી નથી. દર વર્ષે બજેટમાં આંકડાઓ લખી સંતોષ માની લ્યે છે !


























































