Mysamachar.in-જામનગર:
નાણાંકીય વ્યવહારો માટેના ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ વ્યાપક બની ગયો છે, તેની સાથેસાથે આ પ્રકારના પ્લેટફોર્મના માધ્યમથી અસંખ્ય લોકો લૂંટાઈ પણ રહ્યા છે, આ પ્રકારના હજારો બનાવો સમાચારોમાં જાહેર થતાં રહે છે, સરકારી સ્તરે આ બાબતે જાગૃતિ અભિયાનો પણ ચાલતાં રહે છે, છતાં ઘણાં લોકો ‘ભોળા’ સાબિત થઈ રહ્યા છે કે જેઓ અમારી સાથે છેતરપિંડી થઈ છે- એવી રાડો પાડતાં રહે છે. આવી વધુ એક ‘રાડ’ કાલાવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદના રૂપમાં દાખલ થઈ છે.
કાલાવડમાં કૃષ્ણનગરમાં રહેતાં વેપારી ચિમનભાઈ દામજીભાઈ પટેલે એવી ફરિયાદ નોંધાવી કે, ફલાણા મોબાઈલ નંબર ધરાવતો કોઈ શખ્સ મારાં ‘ભોળા’ દીકરાને ‘લૂંટી’ ગયો.આ વેપારીના દીકરાનું નામ દક્ષ. દક્ષ નામનો અર્થ થાય છે હોંશિયાર. પરંતુ આ કિસ્સામાં દક્ષ ‘ભોળો’ સાબિત થયો ! તેણે પોતાના ગૂગલ પે ના પિન નંબર કોઈ અજાણ શખ્સને આપી દીધાં ! અને એ અજાણ શખ્સે ચતુરાઈનો ઉપયોગ કરી દક્ષને રૂ. 4.15 લાખમાં નવડાવી દીધો.
આ કિસ્સામાં દક્ષે ઓનલાઈન લિંક મારફતે રૂ. 2,399ની કિંમતનો નેકલેસ મંગાવ્યો. સામેથી મોબાઈલ મારફતે ફોનમાં કહેવામાં આવ્યું કે, તમે મંગાવેલી ચીજ સ્ટોકમાં નથી. આ દરમ્યાન સામેવાળા શખ્સે આ ફરિયાદીના પુત્ર દક્ષને વાતોમાં ભોળવી લેવા પોતે પૈસા પરત આપવા ઈચ્છે છે એમ કહી, દક્ષના ગૂગલ પે IDના પિન નંબર પણ મેળવી લીધાં ! દક્ષભાઈએ આપી પણ દીધાં ! દક્ષને એમ હતું કે, મારાં રૂ. 2,399 પરત આવી જશે. તે રૂપિયા તો પરત ન આવ્યા પણ દક્ષના એકાઉન્ટમાંથી સામેવાળા શખ્સે રૂ. 4,15,035 પોતાના એકાઉન્ટમાં સેરવી લીધાં. પછી દક્ષને ખબર પડી કે, આપણે તો લૂંટાઈ ગયા. પિતાને વાત કરી. પિતાએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી. મામલો 16મી જાન્યુઆરીનો છે, ફરિયાદ 30મી જાન્યુઆરીએ દાખલ કરાવવામાં આવી છે. આ દક્ષકથા પરથી વાચક ઘણું સમજી શકે.























































