Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાત સરકાર શહેરોના ઝડપી વિકાસની દિશામાં ઝડપભેર આગળ વધી રહી હોવાના સંકેત મળી રહ્યા છે. દરમ્યાન, હાલમાં રાજ્યના બજેટની પણ તૈયારીઓ ચાલી રહી છે. આ સમયે સરકાર ચાહે છે કે, મહાનગરોના વિકાસકામોને રાજ્યનો અંદાજપત્રીય ટેકો મળે. જે અનુસંધાને આજે પાટનગર ગાંધીનગરમાં રાજ્યની 8 મહાનગરપાલિકાઓના મેયર-ચેરમેન અને કમિશનરોને CM એક બેઠકમાં માર્ગદર્શન આપશે અને જરૂરી ચર્ચાઓ કરશે.
આજે Mysamachar.in એ જામનગરના મેયર વિનોદ ખીમસૂર્યા અને સ્ટે.કમિટી ચેરમેન નિલેશ કગથરા સાથે ટેલિફોનિક વાતચીત કરી. એમણે આ વાતને સમર્થન આપ્યું કે, આજે CM સાથે બેઠક છે. પ્રોગ્રેસ રિપોર્ટ સહિતની બાબતો સંબંધે ચર્ચાઓ થઈ શકે છે.દરમ્યાન, ગઈકાલે બુધવારે રાત્રે ગાંધીનગરથી એવો અહેવાલ હતો કે, આજે ગુરૂવારે CM સાથે રાજ્યના 8 મહાનગરોના મેયર-ચેરમેન અને કમિશનરની બેઠક છે.
સૂત્ર જણાવે છે કે, રાજ્યમાં આગામી મહિનાઓ દરમ્યાન મહાનગરોની ચૂંટણીઓ આવી રહી છે. અને હાલ સરકારમાં નાણાંકીય વર્ષ 2026-27 ના બજેટની તૈયારીઓ ચાલી રહી છે. કદાચ સરકારનો ઈરાદો એવો હોય શકે કે, બધાં મહાનગરોના વિકાસ માટે બજેટમાં રાજ્ય સરકાર તરફથી શું સપોર્ટ જાહેર કરવો જોઈએ અને આ બાબતે પદાધિકારીઓ અને અધિકારીઓ શું કહેવા ઈચ્છે છે, તે જાણવા માટે આ બેઠક યોજાઈ હોય શકે.
આ ઉપરાંત સૂત્ર એમ પણ કહે છે કે, મહાનગરોએ આગામી નાણાંકીય વર્ષ માટે શું તૈયારીઓ કરી છે, વર્તમાન નાણાંકીય વર્ષ દરમ્યાનના વિકાસ કામો ક્યાં પહોંચ્યા અને આગામી નાણાંકીય વર્ષ દરમ્યાન મહાનગરો રાજ્ય સરકાર પાસે શું અપેક્ષાઓ રાખી રહ્યા છે- એ જાણવા પણ સરકાર પ્રયાસ કરી રહી હોય એ પણ શક્ય છે. આવતીકાલે શુક્રવારે તમામ મહાનગરોના આ મહાનુભાવો પોતપોતાના નગરમાં પરત ફરશે ત્યારબાદ આજની ગુરૂવારની બેઠકમાં CMએ શું કલાસ લીધો- એ અંગેની જાણકારીઓ બહાર આવી શકે છે.


























































