Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકના પોલીસ સ્ટેશનમાં એક બાળકીના અપહરણનો ગુનો બે શખ્સો વિરુદ્ધ દાખલ થતાં ચકચાર મચી છે. આ ઘટનાના અમુક અંશના CCTV ફૂટેજ મળી આવ્યાનું જાહેર કરવામાં આવ્યું છે. ધ્રોલ નજીક ગરેડીયા રોડ પર સંજય પરમારની વાડીમાં ખેતમજૂરી કરતાં અને રહેતાં, મધ્યપ્રદેશના માંગુ સુંદરિયા નામના 45 વર્ષના એક આદિવાસી યુવાને સ્થાનિક પોલીસમાં ફરિયાદ દાખલ કરાવતાં એમ જાહેર કર્યું છે કે, તેની 5 વર્ષની તારિકા ઉર્ફે નાનીનું અપહરણ થયું છે. બે શખ્સો આ બાળકીને ઉપાડી ગયા છે. જે પૈકી એક શખ્સનું નામ પોલીસ ફરિયાદમાં લખાવાયું છે, અન્ય એક શખ્સ અજાણ્યો છે. આ શખ્સો જો કે હજુ પોલીસની પહોંચ બહાર છે.
આ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત્ રોજ બપોરના સમયથી આ બાળકી ગૂમ છે. બાદમાં સાંજે અપહરણની આ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. એક આરોપીનું નામ કાજુ હટુ બુદેડીયા છે, આ આરોપી પણ મધ્યપ્રદેશનો રહેવાસી છે. બીજો આરોપી અજાણ્યો શખ્સ છે.
એમ કહેવાય છે કે, આ બંને શખ્સો આ બાળકીને મોટરસાયકલ પર લઈ જઈ રહ્યા હોય એવા CCTV ફૂટેજ પોલીસ સુધી પહોંચી ગયા છે. આ ફૂટેજ ધ્રોલના ગ્રામ્ય વિસ્તારોના સરપંચોના એક સોશિયલ નેટવર્કિંગ ગ્રૂપમાંથી મળી આવ્યા છે. ફૂટેજમાં એમ જોવા મળી રહ્યું છે કે, બે શખ્સો મોટરસાયકલ પર જઈ રહ્યા છે, તેમની વચ્ચે એક બાળકી બેસેલી છે. આ ફૂટેજના ઉપયોગથી આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે. ધ્રોલ પંથકમાં આ બનાવની ચર્ચાઓ ચાલી રહી છે.























































