Mysamachar.in-ગાંધીનગર:
ઘણાં કિસ્સાઓમાં નાગરિકો કોઈ દુર્ઘટનાઓનો ભોગ બનતાં હોય છે, કેટલાંક કિસ્સાઓમાં સરકારી અધિકારીઓ અથવા કર્મચારીઓની આપખુદશાહી, દાદાગીરી કે ગેરવર્તન નાગરિકે સહન કરવું પડતું હોય છે. પરંતુ ઘણાં નાગરિકોને એ ખ્યાલ હોતો નથી કે, આવી બાબતો અંગે ફરિયાદ ક્યાં કરવી અથવા વળતર મેળવવા કે કોઈ ચોક્કસ અધિકારી કે કર્મચારી વિરુદ્ધ કાયદાકીય લડાઈ લડવા શું કરવું ?
આ પ્રકારની બાબતો માટે રાષ્ટ્રીય કક્ષાએ તથા રાજ્ય કક્ષાએ માનવ અધિકાર આયોગ કાર્યરત છે. માનવ અધિકાર આયોગમાં જો તમે જિલ્લાકક્ષાએ રજૂઆત કે ફરિયાદ કરવા ચાહો તો તમે, માનવ અધિકાર અદાલતમાં જઈ શકો છો. જિલ્લા જજ આ અદાલતના અધ્યક્ષ તરીકે સેવાઓ આપે છે.
આ આયોગની મર્યાદા એ છે કે, આયોગ કોઈ પણ કસૂરવારને સજા કરવાનો અધિકાર ધરાવતું નથી પરંતુ જેના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હોય તેની વિરુદ્ધ તપાસ કરાવી શકે છે, પીડિતને વળતર અને ન્યાય અપાવી શકે છે.
દેશભરમાં પાછલાં 32 વર્ષ દરમ્યાન આ આયોગ સમક્ષ 23 લાખથી વધુ ફરિયાદ દાખલ થઈ છે. આ ઉપરાંત 3,000 જેટલાં કેસમાં કોઈ જ ફરિયાદ વગર પણ આયોગે જાતે કાર્યવાહીઓ કરી છે. 8,924 જેટલાં મામલામાં માનવ અધિકાર ભંગ થયાનું રેકર્ડ પર સાબિત થતાં આયોગે આ કિસ્સાઓમાં સંબંધિત પીડિતોને કુલ રૂ. 263 કરોડનું વળતર અપાવવા ભલામણ પણ કરી છે.
કોઈ કિસ્સામાં સરકારી અથવા મહાનગરપાલિકા હસ્તકનું કોઈ મકાન તૂટી પડે અને તેમાં કોઈનું મૃત્યુ થઈ જાય તેવા કિસ્સાઓમાં વળતર મળી શકે છે. આ ઉપરાંત કોઈ વ્યક્તિને પોલીસ દ્વારા જાહેરમાં મારકૂટ થઈ હોય, કસ્ટડીમાં મારથી મોત થયું હોય, નાગરિકોના મુળભુત અધિકાર કે હક્કનો ભંગ થયો હોય એવા કિસ્સાઓમાં માનવ અધિકાર આયોગ સમક્ષ ફરિયાદ દાખલ કરાવી શકાય છે.

























































