Mysamachar.in-જામનગર:
સામાન્ય રીતે દરેક પરિવાર જિવનમાં એક જ વખત ઘરના ઘરનું નિર્માણ કરતો હોય છે અથવા ખરીદતો હોય છે. આથી મકાનની ખરીદી વખતે સૌએ ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ. કોઈ પણ બિલ્ડર પર આંખ બંધ રાખીને ભરોસો કરવો નહીં, બધી જ મહત્ત્વપૂર્ણ બાબતો કાગળ પર લેવી, કોઈ જ બાબતે મોઢામોઢની વાત રાખવી નહીં. કેમ કે, વિવાદ થાય ત્યારે, કાગળ જ બોલે. કાગળ જ માન્ય રહે. હાલમાં RERA ઓથોરિટીએ મકાન ખરીદનારાઓ માટે વધુ એક ઓનલાઈન સુવિધા અમલમાં મૂકી છે.
ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA) દ્વારા મિલકત ખરીદદારો અને અન્ય હિતધારકો માટે ફરિયાદ નિવારણ પ્રક્રિયાને વધુ ઝડપી, પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવા માટે એક વ્યાપક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અમલમાં મૂકવામાં આવી છે. આ નવી SOPમાં પ્રક્રિયાગત સમયમર્યાદા તથા જવાબદારીઓ સ્પષ્ટ રીતે નિર્ધારિત કરવામાં આવી છે. મિલકત ખરીદદારો હવે ઘરે બેઠા ગુજરાત RERA પોર્ટલ દ્વારા ફરિયાદ નોંધાવી શકશે. જોકે ઓફલાઇન સુવિધા ચાલુ છે, પરંતુ ઝડપી નિકાલ માટે ઓનલાઇન ફરિયાદોને વધુ પ્રોત્સાહન આપવામાં આવશે. ઓનલાઇન ફરિયાદ કર્યા બાદ સાત દિવસની અંદર તેની ફિઝિકલ કોપી RERA કચેરીએ જમા કરાવવાની રહેશે.
વિલંબ ઘટાડવા માટે, ફરિયાદીએ ફરિયાદ ફાઇલ કરતી વખતે જ પેમેન્ટના પુરાવા અને ઘટનાક્રમની વિગતો જેવા તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. ફરિયાદોની ચકાસણી સીધી RERA સેક્રેટરી સ્તરે કરવામાં આવશે, જેથી કાર્યવાહીમાં કોઈ અવરોધ ન આવે. કેસની પ્રગતિ પર નજર રાખવા માટે RERA ડેશબોર્ડ મુખ્ય પ્લેટફોર્મ રહેશે. જેમાંથી સુનાવણીની તારીખ, નોટિસ અને અંતિમ આદેશો ડિજિટલ રીતે મેળવી શકાશે. પ્રથમ નોટિસ બાદ, હિતધારકોએ સતત અપડેટ્સ માટે ડેશબોર્ડ જોતા રહેવું પડશે.
SOPમાં ફરિયાદોના સ્વરૂપ અને યોગ્ય અધિકારીની સ્પષ્ટ વ્યાખ્યા આપવામાં આવી છે. જેના આધારે પ્રક્રિયાને સરળ બનાવવા માટે ફરિયાદોને બે ભાગમાં વહેંચવામાં આવી છે:
ફોર્મ A: કબજો મળવામાં વિલંબ, વેચાણ કરારનો અમલ ન થવો અથવા રિફંડ જેવી સામાન્ય ફરિયાદો માટે. ફોર્મ B: માત્ર વળતર સંબંધિત દાવાઓ માટે.બિલ્ડરો/પ્રમોટર્સને તેમના ડેશબોર્ડ પર તુરંત નોટિસ મળવાથી તેઓ ઝડપી જવાબ આપી શકશે તેમજ કાનૂની પ્રતિનિધિઓ માટે પણ એડજર્નમેન્ટ અને અન્ય અરજીઓ માટે સ્ટ્રક્ચરલ ટેમ્પ્લેટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, તમારાં બિલ્ડર કે પ્રમોટર પર બેંક કરજ છે કે કેમ, તે અંગેની ચકાસણીઓ પણ કરી લેવી.

























































