Mysamachar.in-જામનગર:
જામનગર બિઝનેસની બાબતમાં એક મોટું હબ છે. અબજો રૂપિયાનું ટર્નઓવર કરવું અને કરોડો રૂપિયાના બિલોની ‘હેરાફેરી’ કરવી, અહીંના કેટલાંક ખેલાડી ઉદ્યોગપતિઓ માટે રોજનો અને વર્ષોથી ધંધો છે. આ કુંડાળાઓમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહિતના પ્રોફેશનલ પણ આનંદ કરતાં રહે છે.
જામનગરની રોનક સાચા અને ખોટાં એમ બંને પ્રકારના ધંધાર્થીઓને આભારી છે. અહીં કરોડો રૂપિયાના કુંડાળાઓ અને કૌભાંડ રાતદિવસ વર્ષોથી ધમધમી રહ્યા છે. કૌભાંડો ઝડપાઈ ગયાનું બહાર આવી ગયા બાદ વિગતો જાહેર ન કરવી-એવી પણ એક વણલિખિત પ્રથા હોય, સંબંધિત ઉચ્ચ અધિકારીઓ પણ શંકાના દાયરાની બહાર નથી.
જામનગરની એક અન્ય ખાસિયત એ છે કે, અહીંના કુંડાળાઓ બહારના અધિકારીઓ જ શોધે અને કુંડાળાઓની માહિતીઓ પ્રચાર પ્રસાર માધ્યમોને ન આપે. અહીંની સ્થાનિક કચેરીઓ તો ચિત્રમાં જાણે કે કયાંય નહીં ! આ પરંપરા પણ ચર્ચાઓમાં રહે છે.
હાલમાં, રાજકોટથી જાહેર થયું કે, રાજકોટ GST કમિશનરેટ કાર્યક્ષેત્રમાં કેટલાંયે શહેરોમાં શંકાસ્પદ GST નંબરો નોંધાયેલા છે. તંત્રના ગણિત અનુસાર, આ પ્રકારના નંબરોની કુલ સંખ્યા આશરે 1,260 જેટલી છે, જે પૈકી આશરે 38 ટકા જેટલાં એટલે કે 479 શંકાસ્પદ નંબરો તો એક માત્ર જામનગરમાં નોંધાયેલા હોય એવું સમજાઈ રહ્યું છે કે, કુંડાળાઓ અને બોગસ બિલિંગ કૌભાંડોમાં જામનગર જાણે કે મુખ્ય સેન્ટર એટલે કે હબ છે !
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, GST તંત્રમાં જોઈન્ટ કમિશ્નરની જગ્યા જામનગરને પણ ફાળવવામાં આવી છે છતાં આ પદ પરના અધિકારી અહીં જામનગર બેસવાને બદલે, કોઈ રહસ્યમય કારણોસર રાજકોટ બેસે છે. ખરેખર તો આ બાબતની પણ તપાસ થવી આવશ્યક લેખી શકાય.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, બોગસ GST નંબરનો ઉપયોગ કરી, કોઈ પણ પ્રકારના કૌભાંડ સાવ આસાનીથી આચરી શકાય અને ખોટી ITC કલેઈમ કરી સરકારની તિજોરીમાંથી કરોડો રૂપિયા સાવ આસાનીથી સેરવી ખિસ્સામાં મૂકી શકાય. અને આવા અપરાધમાં ફાંસીની સજા નથી. અત્રે એ યાદ રહે કે, પાછલાં થોડાં સમયમાં જ જામનગરના એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહિતના કેટલાંક પ્રોફેશનલ લોકોના તથા ઘણાં ઉદ્યોગપતિઓના નામો કુંડાળાઓ સાથે જાહેર પણ થયા.






















































