Mysamachar.in-જામનગર:
જામનગરના એક મહિલા તબીબ આંખની હોસ્પિટલ ચલાવી રહ્યા છે. એમને પતિ-પત્ની વચ્ચે ‘કંકાશ’ ચાલી રહ્યો હોય, કાનૂની જંગ પણ ચાલી રહ્યો છે. દરમ્યાન, એવો હુકમ થયો કે, પતિએ પત્નીની હોસ્પિટલમાં પગ ન મૂકવો. જો કે, આ જગ્યા(દુકાન) પતિની ખુદની માલિકીની છે.
જામનગરમાં લીમડાલાઈન કોર્નર પર માધવ સ્કવેર નામની ઈમારતમાં સુદ્રષ્ટિ નામની આંખની હોસ્પિટલ છે. આ હોસ્પિટલ ડો.સુમિતાદાસ ખત્રીની છે. આ હોસ્પિટલ જે જગ્યામાં છે, તે જગ્યા મહિલા તબીબના પતિ મનોજકુમાર બાલકૃષ્ણ ખત્રીની અંગત માલિકીની છે. પરંતુ પતિ-પત્ની વચ્ચે કાનૂની જંગ ચાલી રહ્યો છે.
પતિ-પત્ની વચ્ચે જામનગરની અદાલતમાં જંગ ખેલાયો તેનો ચુકાદો પત્નીની તરફેણમાં આવતાં પતિએ તેની વિરુદ્ધ વડી અદાલતમાં કવોશિંગ પિટિશન દાખલ કરી હતી. આ પિટિશન રદ્દ કરવામાં આવતાં મહિલા તબીબ પતિ વિરુદ્ધનો કાનૂની જંગ વડી અદાલતમાં જિતી ગયા છે. અને જામનગરની અદાલતનો મહિલા તબીબની તરફેણનો હુકમ યથાવત્ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ મહિલા તબીબે આ જંગની શરૂઆતમાં જામનગરની અદાલતમાં પતિ મનોજકુમાર બાલકૃષ્ણ ખત્રી વિરુદ્ધ ઘરેલુ હિંસાની અરજી કરી હતી. જેતે સમયે એવો ચુકાદો આવ્યો હતો કે, આ કેસમાં પતિએ આ હોસ્પિટલમાં કોઈ અડચણ કરવી કે કરાવવી નહીં. પત્નીને આ હોસ્પિટલ ખાલી કરાવવી નહીં. પતિએ આ જગ્યામાં પ્રવેશ કરવો નહીં.
ઉપરાંત ચુકાદામાં એમ પણ કહેવાયું હતું કે, પત્નીને રહેણાંક સગવડ માટે પતિએ દર મહિને રૂ. 20,000 આ અરજીની તારીખથી આપવા. ઉપરાંત મહિલા તબીબના સગીર પુત્રના ભરણપોષણ માટે દર મહિને રૂ. 10,000 આપવા. પછી પતિ આ મામલાને જિલ્લા અદાલતમાં પણ લઈ ગયા હતાં. અદાલતે નીચલી અદાલતનો હુકમ યથાવત્ રાખ્યો હતો. આથી પતિ આ મામલો કવોશિંગ પિટિશન મારફતે વડી અદાલતમાં લઈ ગયા. પતિની પિટિશન વડી અદાલતમાં રદ્દ થતાં ત્યાં પણ મહિલા તબીબને કાનૂની વિજય પ્રાપ્ત થયો. આ કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં અરજદાર ડો.સુમિતાદાસ તરફથી વકીલ તરીકે વિજય નાંગેશ અને વકીલ અમિત પરમાર ઉપસ્થિત રહ્યા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, આ સમગ્ર મામલો જામનગરની તબીબી આલમમાં ઘણાં સમયથી ચર્ચાઓમાં છે.





















































