Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
માણસ ઈશ્વરીય કૃપા માટે જેટલી તનતોડ મહેનત કરતો હોય છે એટલો જ ડર તેને દૈવી પ્રકોપનો લાગતો હોય છે. માણસની આ માનસિકતા, આ ડરને જે લોકો સમજી જાય, એ માણસને ડર દેખાડી ખેલ પાડી લ્યે અને ધનલાભ મેળવી અદ્રશ્ય થઈ જાય એમ પણ બને. આવી જ એક ‘ડરામણી’ ઘટના દ્વારકા નજીકના એક ગામની સીમમાં મારી સાથે બની છે, એમ રાજકોટના એક ખેડૂતે પોતાની ફરિયાદમાં પોલીસને જણાવ્યું. આ ખેડૂતને પીઠ પર આઠ લાખનો ધુંબો પડી ગયો. આટલું સોનું કોણ લઈ ગયું ? એ પણ આ ‘ભોળા’ ખેડૂતને ખબર નથી !
મામલો ગત્ 27 ઓક્ટોબરનો છે. એ તારીખે સંધ્યાટાણે રાજકોટના ખેડૂત નિર્મળભાઈ ઝરૂ (45) કોઈ ‘અજાણ’ શખ્સો સાથે દ્વારકા નજીકના ધ્રાસણવેલ ગામની સીમમાં, અંધારામાં બાવળની ઝાડીમાં ‘વિધિ’ કરાવવા બેઠા ! આ શખ્સોએ આ ખેડૂતને એમ કહેલું કે, તમારાં પર દૈવી પ્રકોપ ઉતરશે, બચવું હોય તો સોનું શુદ્ધ કરાવવું પડશે. લાવો સોનું. આવા શખ્સોની વાતોમાં ભોળવાઈ જઈને ભોળા ખેડૂતે આઠ લાખનું સોનું અંધારામાં બાવળની ઝાડીમાં અજાણ લોકોને ધરી દીધું. સોનું લેનારા અદ્રશ્ય થઈ ગયા. ખેડૂત 60 દિવસથી પસ્તાઈ રહ્યા છે. આખરે પોલીસ ફરિયાદ દાખલ કરાવી. આ ભોળા ખેડૂતનું કહેવું એમ છે કે, તેની સાથે વિશ્વાસઘાત થયો છે. આ ફરિયાદ અત્યારે ચર્ચાઓમાં છે.(પ્રતિકાત્મક તસ્વીર)





















































