Mysamachar.in-જામનગર:
જામનગર છેલ્લા કેટલાંક વર્ષોથી ધમધોકાર વિકાસ પામી રહ્યું છે, ગ્રામ્ય વિસ્તારોમાંથી અને અન્ય શહેરો તથા અન્ય રાજ્યોમાંથી હજારો-લાખો લોકો અહીં રોજગાર-વસવાટ માટે આવી રહ્યા હોય, નગર મેગા બની રહ્યું છે, પણ ખાટલે મોટી ખોડ એ છે કે, અસંખ્ય વિસ્તારોમાં હજારો લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. દેકારો બોલી રહ્યો છે. વસતિ વધે એ અગાઉ ઈન્ફ્રાસ્ટ્રકચર વધતું નથી, મોડે મોડે નવા પ્લાનિંગ થઈ રહ્યા છે. બીજી તરફ બિલ્ડર્સ લોબીને માત્ર ‘રોકડી’માં જ રસ હોવાનું ચિત્ર છે, જેથી મકાનો ઉતાવળે ખરીદનારાઓ પસ્તાઈ રહ્યા છે.
શહેરના સમર્પણ સર્કલ સહિતના કેટલાંક વિસ્તારો, ન્યૂ જામનગરના સંખ્યાબંધ વિસ્તારો સહિત સંખ્યાબંધ નવા વિસ્તારો એવા છે, જ્યાં પિવાના પાણીના, રસ્તાઓના, ભૂગર્ભ ગટરના કે સ્ટ્રીટ લાઈટના ઠેકાણાં નથી તો પણ, મીણબતી પર પતંગિયા પડે એ રીતે મકાન ખરીદનારાઓ સુવિધાઓ વગરના મકાનો બેંકલોનથી ખરીદી હપ્તા ભરે છે અને સાથેસાથે તકલીફો પણ વેઠી રહ્યા છે.
મહાનગરપાલિકા વર્તુળમાંથી મળતી વિગતો અનુસાર, શહેરના કુબેર પાર્ક, ન્યૂ જામનગર, માધવવિલા-3/4 તથા પ્રમુખ પાર્ક સહિતના સંખ્યાબંધ વિસ્તારો એવા છે જ્યાં ભૂગર્ભ ગટરની મુખ્ય લાઈન આજની તારીખે પસાર થતી નથી, આથી સંખ્યાબંધ સોસાયટીએ પોતાના ભૂગર્ભ ગટર જોડાણો સોસિયા ખાડામાં આપવા પડે છે, આ ખાડા ભરાઈ જાય ત્યાં સુધી સાફ થતાં નથી, બેંકના હપ્તા ભરતાં મકાનધારકોના બાથરૂમ અને વોશિંગ એરીયા સહિતની જગ્યાઓમાં ભૂગર્ભ ગટરના પાણી પાછાં ફરે છે, ગૃહિણીઓ રાડારાડી કરી રહી છે.
ના માત્ર આટલા જ વિસ્તારો પણ શહેરની નવી કેટલીય સોસાયટીઓમાં મોટેભાગે બિલ્ડર્સ લોબી રોકડી કરી બહાર નીકળી ગઈ હોય છે અને બીજા નવા વિસ્તારોમાં ‘ખેતી’ કરતી હોય છે. ભૂગર્ભ ગટરની આ તકલીફો નિવારવા કોર્પોરેશન જેતે વિસ્તારમાંથી ગંદા પાણીના ટેન્કર ભરી, કોર્પોરેશન હસ્તકના આ માટેના વેલ ઉર્ફે કૂવામાં અથવા પમ્પિંગ સ્ટેશનમાં આ ટેન્કર ઠાલવી દે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, હાલમાં સમર્પણ રોડ અને ખંભાળિયા રોડ સહિતના ઘણાં વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની મુખ્ય લાઈનના કામો ચાલી રહ્યા છે પરંતુ એમાં તો હજુ છએક મહિના નીકળી પણ જાય અને ત્યાં સુધીમાં જો ચોમાસુ શરૂ થઈ જાય તો કામ પછી કામની જગ્યાએ રહી જાય. જો કે ચૂંટણી વર્ષ હોય એમ પણ બને કે કામ ઝડપથી ‘સૂલટાવી’ દેવામાં પણ આવી શકે.(ફાઈલ તસ્વીર)





















































