Mysamachar.in-અમદાવાદ:
જુદાજુદા પ્રકારના ફોજદારી કેસોમાં સંખ્યાબંધ આરોપીઓ છૂટી જતાં હોય છે અને મોટાભાગના કેસોમાં તો એમ પણ જાહેર થતું હોય છે કે, પુરાવાઓના અભાવે આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો. આથી લોકોમાં પ્રશ્નો ઉભા થતાં હોય છે કે, આ કેસોમાં પુરાવાઓ એકત્ર કરવાની જવાબદારીઓ કોની છે ? તેઓ પોતાની કામગીરીઓ યોગ્ય રીતે કરે છે ?
અદાલતોમાં લાખોની સંખ્યામાં ક્રિમિનલ કેસ દાખલ થતાં હોય છે. કેસો ચાલે, દલીલો થાય અને અંતે ચુકાદા આવે. પરંતુ ચિંતાઓનો વિષય એ છે કે, આરોપીઓને સજા ‘અપાવવાનો’ જે દર છે એ ઓછો છે. બહુ ઓછા કેસમાં આરોપીઓને સજા થતી હોય છે. જેને કારણે જે લોકો ખરેખર પીડિત છે તે લોકો એવું અનુભવે છે કે, અદાલતમાં ગયા પછી પણ ન્યાયના દર્શન થયા નહીં.
આ પ્રકારની હકીકતોને કારણે લોકો ખાસ કરીને પીડિતો ન્યાયતંત્ર વિશે પોતાના મનમાં અને અન્ય લોકો સાથેની ચર્ચાઓમાં ન્યાય વ્યવસ્થાઓ વિષે કડવું વિચારતા-બોલતાં હોય છે. આવી બાબતોમાં લોકો ભ્રષ્ટાચારનો પણ ઉલ્લેખ કરતાં હોય છે. તેથી ન્યાય વ્યવસ્થાઓની ગરિમાને ઝાંખપ લાગી રહી છે અને સરકારી તંત્રો પર લોકોનો ભરોસો ઘટી રહ્યો છે.
આ સ્થિતિઓ નિવારવાના ભાગરૂપે, હવે ક્રિમિનલ કેસોની અદાલતી કાર્યવાહીઓ સાથે ગાઢ રીતે સંકળાયેલા સરકારના 3 મુખ્ય વિભાગોના અધિકારીઓ- એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ(મામલતદાર), સરકારી વકીલ અને પોલીસ અધિકારીઓને ‘તાલીમ’ આપવામાં આવશે, જેનો હેતુ એ છે કે, વધુને વધુ પીડિતોને ન્યાય મળે અને વધુને વધુ આરોપીઓને ‘સજા’ અપાવી શકાય.
આ માટે સમગ્ર રાજ્યમાં 3-3 જિલ્લાઓનું એક યુનિટ બનાવવામાં આવશે અને બધાં જ સંબંધિત અધિકારીઓને તાલીમ આપવામાં આવશે. રાજ્યના ગૃહવિભાગ હસ્તકની ડાયરેક્ટર ઓફ પ્રોસિકયુશનની કચેરીના ડાયરેક્ટર અંબાલાલ પટેલ દ્વારા આ વિગતો જાહેર કરવામાં આવી છે. એમના જણાવ્યા અનુસાર, આ કચેરીના અધિકારીઓ તથા લો ઓફિસર ઉપરોકત યુનિટના હેડ કવાર્ટર પર જશે અને અધિકારીઓને તાલીમ આપશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, અદાલતી કાર્યવાહીઓ દરમ્યાન તપાસ રિપોર્ટ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સહિતના સેંકડો કાગળો એવા રજૂ થતાં હોય છે, જેમાં ‘થોડીઘણી ખામી’ હોય તો પણ, તેના આધારે આરોપીઓ નિર્દોષ છૂટી જતાં હોય છે અને પીડિત ન્યાય મેળવવાથી વંચિત રહી જતો હોય છે ! આ અટકાવવું આવશ્યક છે





















































