Mysamachar.in-રાજકોટ:
જામનગર-વડોદરા ઈન્ટરસિટી ટ્રેનમાં મુસાફરી કરી રહેલાં એક નિવૃત પોલીસ ઈન્સ્પેક્ટર પર ગત્ રોજ એક શખ્સ દ્વારા ખૂની હુમલો થયો હતો. આ પ્રકરણની બધી જ વિગતો 24 કલાકમાં બહાર આવી ગઈ છે.
નિવૃત પોલીસ ઈન્સ્પેક્ટર ધર્મેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા (ઉ.વ.77, રહે. તેજપ્રકાશ સોસાયટી, પંડિત નહેરૂ માર્ગ, જામનગર) ગઈકાલે બુધવારે સવારે ટ્રેન મારફતે અમદાવાદ તરફ જઈ રહ્યા હતાં ત્યારે, તેમના પર એક શખ્સે હુમલો કરી ધર્મેન્દ્રસિંહ જાડેજાને લોહીલુહાણ કરી દીધાં હતાં, આ ઘટના જાહેર થતાં રેલ્વે પોલીસમાં દોડધામ મચી ગઈ હતી અને પોલીસે આ બનાવના અનુસંધાને એક પંજાબી શખ્સની ધરપકડ કરી લીધી છે.
આ મામલામાં એમ જાહેર કરવામાં આવ્યું છે કે, આ હુમલાખોર શખ્સ ટ્રેનમાં બીડી પી રહ્યો હતો, આથી નિવૃત પોલીસ ઈન્સ્પેક્ટર અને આ શખ્સ વચ્ચે તકરાર થઈ હતી. આ નિવૃત પોલીસ ઈન્સ્પેક્ટરની કમરે રિવોલ્વરનું કવર બાંધેલું જોઈ હુમલાખોરને એમ થયું કે, આ ઝઘડો આગળ વધશે તો તેમાં રિવોલ્વરનો ઉપયોગ થઈ શકે છે, આથી તેણે ડરી જઈ ધર્મેન્દ્રસિંહ જાડેજા પર ગેસની બોટલ વડે હુમલો કરી તેમને લોહીલુહાણ કરી દીધાં.
બાદમાં, રાજકોટ રેલ્વે પોલીસના પોલીસ ઈન્સ્પેક્ટર એચ.એમ. રાણાએ તપાસ દરમ્યાન આ હુમલાખોરને મોબાઈલ લોકેશનના આધારે શોધી કાઢ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ધર્મેન્દ્રસિંહ જાડેજાની કમરે બાંધેલા પટ્ટામાં રિવોલ્વરનું માત્ર કવર જ હતું, તેમાં રિવોલ્વર ન હતી. હુમલાખોરે રિવોલ્વર સમજી આ કવર તથા બે નંગ મોબાઈલ ધર્મેન્દ્રસિંહ જાડેજા પાસેથી લૂંટી લીધાં હતાં.
પોલીસે હુમલાખોરની ધરપકડ કરી આ લૂંટેલી બધી ચીજો કબજે લીધી છે. અને, હુમલાખોરનું નામ નિશાંતસિંઘ ગુલઝારસિંઘ (39) જાહેર થયું છે. આ હુમલામાં ઘવાયેલા નિવૃત અધિકારીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી. હુમલાખોર માલીયાસણ ગામ નજીકથી ઝડપાઈ ગયો છે. તેણે લૂંટેલા બે મોબાઈલ ફોન પૈકી એક મોબાઈલ ફોનના લોકેશનના આધારે તે ઝડપાયો. આ શખ્સ નોકરીની તલાશમાં જામનગર આવ્યો હતો, એમ પૂછપરછ બાદ જાહેર થયું છે.





















































