Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
રાજ્યના દરિયાકિનારે જુદાજુદા પ્રોજેક્ટ અંતર્ગત દરિયાના ખારા પાણીને મીઠુ બનાવી, પાણીની અછત નિવારવા, લોકોને આ પાણી આપવામાં આવશે. આવી મીઠડી વાત વર્ષો અગાઉ થયેલી. આ તમામ પ્રોજેક્ટની હાલ સ્થિતિઓ શું છે ? તે જાણવા જેવું છે. ખુદ ઓડિટ રિપોર્ટમાં પણ આ ભાંડાફોડ બહાર આવી ગયો.
રાજ્યમાં 4 જગ્યાઓ પર, ભાવનગર-દ્વારકા-ગીર સોમનાથ અને કચ્છમાં આ પ્લાન્ટ બનશે, એવું વર્ષો અગાઉ જાહેર થયેલું. આ ચારેય પ્લાન્ટમાં માત્ર પાણીના ટાંકા બન્યા છે. પ્લાન્ટના નામે માત્ર ખાડા જોવા મળી રહ્યા છે. આખા રાજ્યનો આ ડિસેલિનેશન પ્રોજેક્ટ રૂ. 1,087 કરોડનો, રૂ. 610 કરોડના બિલો બનાવવામાં આવ્યા. જે પૈકી રૂ. 363 કરોડના બિલ ખોટાં !
આ કામ સંભાળનાર કંપનીએ સરકારની કંપનીમાંથી રૂ. 469 કરોડની લોન લઈ લીધી. 2019માં કામો શરૂ કરી, બે વર્ષમાં કામો પૂરા કરવાની શરત હતી. આજે 2025 સુધીમાં માત્ર 20 ટકા કામ થયું. કંપનીએ સરકારી કંપનીમાંથી લોન લીધાં બાદ તે રકમમાંથી FD કરી નાંખી અને બાકીની રકમ પોતાની અન્ય કંપનીમાં ટ્રાન્સફર કરી મોટું કૌભાંડ આચરી લીધું.
આ કામ ખાનગી કંપની હસ્તક છે. આ કંપનીએ રૂ. 363 કરોડના ખોટાં બિલ મૂક્યા છે, જે પૈકી રૂ. 80.73 કરોડના બિલ દ્વારકા પ્રોજેક્ટના છે. અહીં કામ કર્યા વિના બિલ રજૂ કરવામાં આવ્યા છે. લોન મેળવવા મૂડી લાવીને તરત જ રકમ ઉપાડી લેવાની ગતિવિધિઓ અહીં પણ જોવા મળી.
ઓડિટ રિપોર્ટ કહે છે: આ સમગ્ર પ્રક્રિયામાં નાણાંકીય ગેરરીતિઓ, ઈક્વિટીના નિયમોનો ભંગ અને ફંડ ડાયવર્ઝન સ્પષ્ટ દેખાય છે. કંપનીની નાણાંકીય વિશ્વસનિયતા અત્યંત શંકાસ્પદ છે. હાલની સ્થિતિઓ જોતાં પ્રોજેક્ટમાં ગ્રાઉન્ડ પર કોઈ કામ થયાનું જણાતું નથી. આથી પિવાનું મીઠુ પાણી સમયસર મળવાની શકયતાઓ નહિવત્ છે. લોનનું વિતરણ તાત્કાલિક અટકાવવું જોઈએ. અને કંપની વિરુદ્ધ કડક દંડાત્મક કાર્યવાહીઓ કરવી જોઈએ.
સરકારનો ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ વિભાગ આ બધાં કામ પર દેખરેખ રાખે છે. આ વિભાગ તરફથી પ્રોજેક્ટ પેટાવિભાગના ચીફ ઈજનેર ધારા વ્યાસ સમગ્ર વ્યવસ્થાઓ પર સુપરવિઝન કરી રહ્યા છે. એમણે કહ્યું: કંપનીનું એક પણ રૂપિયાનું બિલ મંજૂર કરવામાં આવ્યું નથી. કંપનીની રૂ. 216 કરોડની બેંક ગેરંટી જપ્ત કરી લેવામાં આવી છે.(file image)
























































