Mysamachar.in-મહેસાણા:
રાજ્યના પૂર્વ નાયબ CM નીતિન પટેલ ઉતર ગુજરાતના ભાજપાના વરિષ્ઠ નેતા છે અને કડવું પણ સાચું બોલી નાંખવા બાબતે જાણીતાં છે. હાલમાં તેમણે પક્ષની આંતરિક સ્થિતિઓ છતી કરી છે અને સાથેસાથે કાર્યકર્તાઓને શિખામણ પણ આપી છે.ઉત્તર ગુજરાતના કડી માર્કેટ યાર્ડ ખાતે તાજેતરમાં એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અન્ય સ્થાનિક આગેવાનોની માફક પૂર્વ નાયબ CM નીતિન પટેલએ પણ ઉપસ્થિત સૌને સંબોધન કર્યું હતું.
નીતિન પટેલએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, પક્ષનો આજનો કાર્યકર સંઘર્ષની કિંમત જાણતો નથી. તેને બધું જ ઉતાવળે જોઈએ છે. આજે સ્થિતિઓ એવી છે કે, કોલેજમાંથી નીકળી યુવાનો સીધા રાજકારણમાં આવે છે અને પક્ષનો ખેસ ધારણ કરતાં જ એમને હોદ્દા તથા સત્તા જોઈએ છે. એમને ખબર નથી કે, રાજકીય સંઘર્ષ શું હોય છે.
એમણે વધુમાં કહ્યું: હું નાયબ CMના પદ સુધી એમ ને એમ નહોતો પહોંચી ગયો. 1974ની સાલથી, નવનિર્માણ આંદોલન વખતથી જાહેર જિવનમાં સંઘર્ષ કર્યો છે. પોલીસની લાકડીઓ ખાધી છે. અનેકવખત જેલમાં ગયો છું. પોલીસે લાકડીઓ મારી અમારા ખભા તોડી નાંખ્યા હતાં.
આજના યુવાનોને પક્ષનો ખેસ ધારણ કરતાં તરત જ પદ જોઈએ છે. છેલ્લા 10 વર્ષથી પક્ષની જાહોજલાલી વધી હોય ઘણાં લોકો પદ માટે, સતા માટે રાજકારણમાં આવી રહ્યા છે. એમ જણાવતાં એમણે ઉમેર્યું કે, સહકારી ક્ષેત્રમાં વ્યાપક ભ્રષ્ટાચાર છે. મંડળીના સભ્ય ખેડૂતને ખબર પણ ન હોય અને તેની જમીનનો બારોબાર સોદો થઈ જાય. મંડળીના સભ્ય ખેડૂતને ખબર પણ ન હોય અને તેની જમીન પર બેંક લોન લેવાઈ જાય. મંડળીઓનાં બેત્રણ મંત્રીઓ આવા કૌભાંડમાં જેલમાં છે. નીતિન પટેલએ ભાષણના અંતમાં કહ્યું કે, નવા કાર્યકર્તાઓને સતાની લાલચ છે. ખેસ ધારણ કરી લોકોને વશમાં રાખવા પ્રયાસ કરે છે પરંતુ હવે લોકો છેતરાતા નથી. કાર્યકર્તાઓએ રાજનીતિમાં સંઘર્ષનો સિદ્ધાંત જાણવો પડશે.
























































