Mysamachar.in-ગુજરાત:
રાજકીય પક્ષોને દાન આપવાની વ્યવસ્થાઓમાં હમણાં સુધી ઈલેકટોરલ બોન્ડની સુવિધાઓ હતી. જેના મારફતે પક્ષો અબજો રૂપિયાનું દાન મેળવતા હતાં. ત્યારબાદ સુપ્રિમ કોર્ટ દ્વારા આ બોન્ડને ગેરબંધારણીય જાહેર કરવામાં આવ્યા. બોન્ડ બંધ થયા. જો કે તો પણ દાનનો પ્રવાહ બંધ નથી થયો, ઉલટો 3 ગણો વધી ગયો.
ભારતીય ચૂંટણીપંચ હસ્તક જે વિગતો આવી છે, તે આંકડાઓ હાલ જાહેર થયા છે. આ આંકડાઓ અનુસાર, ભારતીય જનતા પક્ષને અબજો રૂપિયાનું દાન પ્રાપ્ત થયું છે. કોંગ્રેસને કુલ દાનમાંથી માત્ર 8 ટકા દાન પ્રાપ્ત થયું. આ તમામ દાન કોર્પોરેટ ટ્રસ્ટો દ્વારા આપવામાં આવ્યું છે.
ચૂંટણીપંચ સમક્ષ રજૂ થયેલા આંકડાઓ અનુસાર, ભારતીય જનતા પાર્ટીને રૂ. 3,112 કરોડનું દાન અને કોંગ્રેસ પક્ષને રૂ. 299 કરોડનું દાન પ્રાપ્ત થયું છે. અન્ય તમામ પક્ષોને કુલ મળી રૂ. 400 કરોડનું દાન પ્રાપ્ત થયું છે. રાજકીય પક્ષોને મળેલું કુલ દાન આ તમામ આંકડાઓ કરતાં મોટું હોય છે, કેમ કે રાજકીય પક્ષોને આ કોર્પોરેટ ટ્રસ્ટ ઉપરાંત અન્ય માધ્યમોથી પણ વિવિધ પ્રકારના દાન-ફંડ મળતાં હોય છે. આ આંકડાઓ માત્ર ચૂંટણી ટ્રસ્ટે આપેલા દાનના જ છે. ટૂંકમાં, પક્ષો પર ધનવર્ષા થઈ રહી છે.
ટાટા ગ્રૂપની કંપનીઓ જે દાન આપે છે તેમાંથી 80 ટકા દાન ભાજપાને આપવામાં આવે છે. આ ઉપરાંત ભારતી એરટેલ તથા ગુજરાતની પાવર કંપની ટોરેન્ટ વગેરે કંપનીઓ પણ ભાજપાને ચિક્કાર દાન આપી રહી છે. આ કંપનીઓ અન્ય પક્ષોને પણ થોડી માત્રામાં દાન આપી રહી છે.





















































