Mysamachar.in-જામનગર:
વર્ષ 2000-2003 દરમ્યાન જામનગર તાલુકા પંચાયત હસ્તક તાલુકાના મતવા અને જાંબુડા ખાતે સરદાર પટેલ આવાસ યોજનાની કામગીરીઓ અંગેની પ્રક્રિયાઓ તા.પં.ના અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. જેતે સમયે આ કામનો કોન્ટ્રાક્ટ પાલનપુરની એક કંપનીને આપવામાં આવ્યો હતો. ત્યારે કૌભાંડની રાવ પણ થઈ હતી. છેતરપિંડીની ફરિયાદ પણ થઈ હતી.
આ મામલામાં આરોપીઓ તરીકે કોન્ટ્રાક્ટર કંપની નવગુજરાત સ્પોર્ટ્સ એન્ડ વેલફેર એજ્યુકેશન ટ્રસ્ટના એમ.ડી. હર્ષદ બાબુ રાજગોર, મીતા ચંપકલાલ સોની તથા એન્જિનિયર આર.એસ.ધારાણી વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલી. જેતે સમયે આ આવાસના સ્થળે પ્લોટ ખુલ્લા પડ્યા હતાં, છતાં ખોટાં બિલો બનાવી સરકારમાંથી નાણાં મેળવી લેવામાં આવ્યા હતાં. એવી ફરિયાદ થઈ હતી.
આ મામલામાં જામનગર તાલુકા પંચાયતના તત્કાલીન સેકસન અધિકારી ખોડા મોતી વરિયાવાળાએ અભિપ્રાયો પણ આપ્યા હતાં. આથી તેમનું નામ પણ આરોપીઓમાં સામેલ હતું. આ મામલો તાજેતરમાં અદાલતમાં ચાલવા પર આવ્યો. અદાલતમાં બચાવપક્ષના વકીલ અશોક જોશી તરફથી થયેલી દલીલો અને પુરાવાઓ ધ્યાન પર લઈ અદાલતે આ મામલાના ચારેય આરોપીઓને નિર્દોષ ઠેરવી છોડી મૂકવા ન્યાયિક હુકમ કર્યો છે.

























































