Mysamachar.in-જામનગર:
જામનગરમાં ખંભાળીયા નાકા વિસ્તારમાં ગત્ વર્ષે લાંચ રૂશવત વિરોધી તંત્ર દ્વારા શિકારને ઝડપી લેવા એક છટકું ગોઠવવામાં આવેલું. આ ટ્રેપ જો કે જેતે સમયે સફળ રહી ન હતી પરંતુ હવે આ મામલામાં ‘લાંચ માંગ્યા’ નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જામનગર ACBના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર આર.એન.વીરાણી દ્વારા કુલ 3 આક્ષેપિત વિરુદ્ધ આ ડીમાન્ડ કેસ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં એક પ્રજાજન અને બે બેંક ઓફિસરનો સમાવેશ થાય છે.
આ મામલામાં જામનગરના ગિરીશ અરશીભાઈ ગોજિયા ફરિયાદી હતાં. તેણે એવી ફરિયાદ જેતે સમયે ACBમાં દાખલ કરાવી હતી કે, પોતાની એટલે કે આ ફરિયાદીની મુદ્રા યોજનાની લોનની સબસિડી મંજૂર કરી આપવાના બદલામાં જામનગરના રણજિત રોડ પર આવેલી પંજાબ નેશનલ બેંકના તત્કાલીન અધિકારી સંજય રાજકુમાર મીના (હાલ જામખંભાળીયા શાખા, PNB)એ જામનગરની ઉપરોકત બેંક શાખાના મેનેજર મનોહરપ્રસાદ ગણેશપ્રસાદરોય વતી આ ફરિયાદી પાસે રૂ. 40,000ની લાંચની માંગ કરી હતી.
બાદમાં આ સંબંધે આરોપીને ઝડપી લેવા ACBએ જામનગરમાં ખંભાળીયા નાકા નજીક ચા ની એક હોટેલ પાસે છટકું ગોઠવેલું જે સફળ એટલાં માટે ન થયું કેમ કે લાંચ માંગનારને છટકાની ગંધ આવી જતાં, તેણે ચાલ બદલાવી નાંખી અને ફરિયાદી પાસેથી લાંચ લીધા વિના જતો રહ્યો.
ACB ના જણાવ્યા અનુસાર, આ મામલામાં ત્રણેય આક્ષેપિતોએ એકબીજાને મદદગારી કરી, આ મામલો સેટ કરવા પ્રયાસ કરેલો. ACBમાં હવે આ કેસના ફરિયાદી સાહેદ એટલે કે સાક્ષી બની ગયા છે. ACBએ જાહેર કરેલી આ ડીમાન્ડ કેસની ફરિયાદમાં જે મનોહરપ્રસાદ રાય છે તે હાલ બેંગ્લોર ખાતે બેંક શાખામાં નોકરી કરે છે અને સંજય મીના ખંભાળીયા છે.


