Mysamachar.in-જામનગર:
આજે સવારે જામનગર નજીકના ધુંવાવ પાસે એક ઘાતક અકસ્માત સર્જાયો છે, જેમાં એક યુવાનનો ભોગ લેવાયો છે. મૃતક યુવાન બાઈક પર સવાર હતો અને તેની ટક્કર એક કાર સાથે થઈ હતી. આ અકસ્માત અંગે જાણ થતાં પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એન.શેખ આજે સવારે દસ સવાદસ આસપાસ સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં.
તેમણે Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, ફોર્ચ્યુંનર કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં એક યુવાનનું મોત થયું છે અને અન્ય બે ઈજાગ્રસ્તોને તાકીદની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તેમજ અકસ્માત સર્જનાર વાહનચાલકની અટક કરી લેવામાં આવી છે.
પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એન.શેખએ વધુમાં જણાવ્યું કે, આ અકસ્માતના મૃતકનું નામ મનુ દાવર છે, જે મધ્યપ્રદેશનો રહેવાસી હતો અને અહીં વસવાટ કરતો હતો. બે ઈજાગ્રસ્તને સારવાર આપવામાં આવી રહી છે. ફોર્ચ્યુંનર વાહનના નંબર GJ-10-DJ-8441 છે અને ચાલકનું નામ હારૂન કાટેલીયા છે, જેની અટક કરી લેવામાં આવી છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે. દરમ્યાન, મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ વગેરેની વિધિઓ હાથ ધરવામાં આવી છે.

























































