Mysamachar.in-સુરત:કચ્છ:સાબરકાંઠા:
મુખ્યમંત્રીએ થોડાં સમય અગાઉ લાંચિયા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને ચેતવણી આપી હતી કે, પકડાઈ ગયા તો ગયા કામથી. આ ચેતવણી પછી પણ લાંચખોર તત્ત્વો સુધર્યા નથી. દરમ્યાન, ACB દ્વારા ગોઠવવામાં આવેલી 3 અલગઅલગ ટ્રેપમાં આવા 5 આરોપીઓ ઝડપાઈ જતાં સમગ્ર રાજ્યમાં આ મામલાઓ ચર્ચાઓમાં છે.
ACBએ એક છટકું સુરતમાં ગોઠવેલું. જેમાં કીમ પોલીસ સ્ટેશનનો પોલીસ ઈન્સ્પેક્ટર પ્રવિણસિંહ હરનાથસિંહ જાડેજા અને તેને લાંચ વસૂલવામાં મદદગારી કરનાર વકીલ ચિરાગ રમણિકલાલ ગોંડલિયા એમ કુલ 2 આરોપીઓ ઝડપાઈ ગયા છે.
કીમ પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપની એક ફરિયાદ દાખલ થયેલી. આ મામલામાં એક આરોપી વિરુદ્ધ ગુજસીટોકની કલમ ન ઉમેરવા અને ઝડપથી જામીન મળી જાય એવું ગોઠવી આપવાના બદલામાં લાંચનો ખેલ ગોઠવાયો હતો. આથી આ આરોપીના ભાઈએ પોલીસનો સંપર્ક કર્યો હતો. આ મામલામાં પોલીસ ઈન્સ્પેક્ટરે વકીલ મારફતે આરોપીના ભાઈ પાસે રૂ. 10 લાખની લાંચની માંગ કરી હતી અને બાદમાં 3 લાખમાં સેટલમેન્ટ થયું. ત્યારબાદ પોલીસ ઈન્સ્પેક્ટરના કહેવા અનુસાર વકીલે આ લાંચકેસના ફરિયાદી પાસેથી રૂ. 3 લાખની લાંચ લીધી અને વકીલ તથા પોલીસ ઈન્સ્પેક્ટર આ લાંચના મામલામાં ફીટ થઈ ગયા. ACBએ લાંચની આ રકમ આરોપીઓ પાસેથી રિકવર પણ કરી લીધી છે.
લાંચનો બીજો મામલો ઈડરનો છે. સાબરકાંઠાની ઈડર તાલુકા પંચાયતનો કરાર આધારિત કલસ્ટર કો-ઓર્ડિનેટર કમલ નારાયણ પટેલ તથા એ જ પોસ્ટ પર નોકરી કરતી જિનત રોનક પટેલ આ લાંચ મામલામાં ઝડપાઈ ગયા છે. આ ઉપરાંત ત્રીજો આવો જ કર્મચારી મેહુલ મૂળા રાઠોડ પર આ કુંડાળામાં ભાગીદાર હતો, જે હાલ ફરાર છે. આ ત્રણેય કરાર આધારિત કર્મચારીઓએ એક કોન્ટ્રાક્ટર પાસેથી બિલો પાસ કરાવવા રૂ. 1.25 લાખની લાંચ મેળવી હતી. ACBએ લાંચની આ રકમ રિકવર પણ કરી છે.
લાંચનો ત્રીજો મામલો કચ્છના નખત્રાણાનો છે. આ મામલામાં એક ધિરાણ મંડળીનું કામ કર્યા બાદ મંડળીને માલ સપ્લાય કરનાર વેપારીએ પોતાનું રૂ. 7.52 લાખનું બિલ મંજૂર કરાવવા મંડળીમાં રજૂ કર્યું હતું તે સમયે મંડળીના મંત્રી (કારોબારી સભ્ય, તાલુકા પંચાયત) ઘનશ્યામ મનોહર પટેલએ આ વેપારી પાસે રૂ. 2.80 લાખની લાંચની માંગણી કરી હતી.
ત્યારબાદ ACBએ ફરિયાદના આધારે છટકું ગોઠવી આરોપીને લાંચ લેતાં રંગેહાથ ઝડપી લીધો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં લાંચ રૂશવત વિરોધી દિવસની ઉજવણી થઈ ત્યારે, ખુદ CM ઉપસ્થિત રહ્યા હતાં. આ સમારોહમાં CMએ ACBના કાનમાં ફૂંક મારી ‘પાડી જ દ્યો’ એવું કહ્યું હોય તેમ છેલ્લા કેટલાંક સમયથી ACBની સક્રિયતામાં વધારો નોંધાયો છે.

























































