Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યના શહેરોને ટનાટન વિકાસનો અહેસાસ અને અનુભવ કરાવવા તથા રાજ્યના શહેરીકરણને નવી રીતે આયોજનબદ્ધ બનાવવા સરકારે મન બનાવી લીધું છે. અને, આ સંદર્ભમાં જામનગર સહિતની તમામ મહાનગરપાલિકાઓને સૂચનાઓ આપી દેવામાં આવી હોવાનું સચિવાલય સૂત્ર જણાવી રહ્યા છે.
ગુજરાત આગામી 2030માં કોમનવેલ્થ રમતોત્સવની યજમાની કરવાનું હોય, આ પાંચ વર્ષ દરમ્યાન રાજ્યના તમામ 17 મહાનગરોનો અદભુત અને વધુ planned વિકાસ થઈ શકે એવા કોન્સેપ્ટ સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે.
સૂત્ર અનુસાર, સરકારે જામનગર સહિત સમગ્ર રાજ્યની તમામ 17 મહાનગરપાલિકાઓને સ્પષ્ટ સૂચનાઓ આપી દીધી છે કે, આગામી 30-06-2026 પહેલાં બધી જ મહાનગરપાલિકાઓએ પોતાના નવા વિકાસનકશા(DP- ડેવલપમેન્ટ પ્લાન)ના ડ્રાફ્ટ(મુસદ્દો) સરકારમાં જમા કરાવવાના રહેશે. જામનગર મહાનગરપાલિકાના સૂત્રના જણાવ્યા અનુસાર, આપણે ત્યાં DP સંબંધિત કામગીરીઓ ચાલુ છે.
સરકારે માત્ર મહાનગરપાલિકાઓ જ નહીં, મહાનગરોની આસપાસની જમીનોના વિકાસની જવાબદારીઓ સંભાળતા વિકાસ સતામંડળોને પણ આ સૂચનાઓ આપી છે. એટલે કે જામનગર વિસ્તાર વિકાસ સતામંડળ-જાડા ને પણ આ સૂચનાઓ આપી દેવામાં આવી છે.
ઘણાં એવા મહાનગરો હોય છે જ્યાં ટાઉન પ્લાનિંગ સ્કીમો વર્ષોથી પડતર રહી હોય. આવી 2 વર્ષથી માંડીને 20 વર્ષ સુધી જે સ્કીમ પડતર રહી હોય એટલે કે દાખલા તરીકે કોઈ એક શહેરની એક ટીપી સ્કીમ 10 વર્ષથી અને અન્ય કોઈ સ્કીમ પંદરેક વર્ષથી પડતર પડી હોય તો, આવી બધી જ સ્કીમ ફાઈનલ કરી ગાંધીનગર મંજૂરીઓ માટે મોકલી આપવાની રહેશે. દાખલા તરીકે, જામનગરમાં હાલમાં TP સ્કીમ નંબર 27ની કામગીરીઓ ચાલી રહી છે. આ સ્કીમ નદીકાંઠા વિસ્તારમાં બેસાડવામાં આવી છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, 2026ના પ્રથમ 6 માસ દરમ્યાન મહાનગરો, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો વગેરેની ચૂંટણીઓ પણ આવી રહી હોય, સરકાર જુદાં જુદાં અંકોડા ગોઠવી રહી હોય તેમ પણ બની શકે.





